સુરતઃ (Surat) શહેરના ચોકબજાર સ્થિત શહેરનો સૌથી જુનો ગાંધીબાગ આવેલો છે. આ બાગથી કિલ્લા સુધી ઐતિહાસિક પ્લેસને વિકસાવવા માટેની કામગીરી ચાલે છે. બાગની નજીક સર્કલ પાસે અઠવા પોલીસ રોજ સામાન્ય લોકો પાસે દંડ વસૂલવા ઉભી રહે છે. પણ પોલીસ સ્ટેશનથી માંડ 100 મીટર ઉપર આવેલા ઐતિહાસિક બાગના દિવાલની જાળીની ચોરી થઈ તે અંગે તેમને કઈ ખબર નથી.
છેલ્લા કેટલાક સમયથી ચોકબજાર સ્થિત કિલ્લાને ઐતિહાસિક ધરોહરને ટુરિઝમ પ્લેસ તરીકે ડેવલપ કરવાની કામગીરી ચાલે છે. નાનપુરા વિવેકાનંદ સર્કલથી ચોકબજાર ચાર રસ્તા સુધીના મેઇન રોડનું પણ રીપેરીંગ કરવાની સાથે સુશોભન કરવામાં આવ્યું છે. ગાંધીબાગનું પણ રીપેરીંગ કરવાની સાથે કમ્પાઉન્ડ વોલ નવી બનાવવામાં આવી હતી. આ કમ્પાઉન્ડ વોલ પર સલામતીને ધ્યાનમાં લઇ સાડા આઠ ફૂટની લોખંડની જાળીઓ લગાવવામાં આવી હતી.
છેલ્લા બે દિવસમાં તસ્કરો લોખંડની આ જાળી ચોરી ગયા હતા. સુરત મહાનગરપાલિકાના સિક્યુરીટીના સુપરવાઇઝર વિનય જમીદારચંદ રાજપુત (ઉ.વ. 42 રહે. સી 9, એસએમસી કવાટર્સ, એલ.પી. સવાણી રોડ, અડાજણ) એ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં લોખંડની જાળી કિંમત 20 હજારની ચોરીની ફરીયાદ નોંધાવી હતી. અઠવા પોલીસ દ્વારા જાળીની ચોરી કરનાર તસ્કરોની સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
ટાર્ગેટ પુરો કરવા અઠવા પોલીસ હવે દુકાન-મકાન સુધી જવા માંડી
અઠવા પોલીસ કાયદાનો ભય બતાવી ખુલ્લેઆમ સામાન્ય પ્રજાને રંજાડી રહી છે. માસ્કની જગ્યાએ મોઢે રૂમાલ પહેર્યો હોય, માસ્ક થોડુ નીચેથી પહેર્યું હોય તો જાણે વ્યક્તિ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરવા જતો હોય તેમ પાછળ દોડીને પકડે છે. હજાર રૂપિયા દંડ નહીં આપી શકનાર વ્યક્તિની સામે ગુનો નોંધી સળીયા પાછળ બેસાડવાની ધમકી આપે છે. અઠવા પોલીસ આપેલો ટાર્ગેટ પુરો કરવા માટે સોની ફળીયા સહિતના આંતરીક વિસ્તારોમાં અને મહોલ્લા, શેરીઓમાં જઈને લોકોના દુકાન અને મકાન પાસે જઈને દંડની વસૂલી કરી રહી છે. પોલીસની રાજકારણીઓના ઘર સુધી કે કાર્યાલય સુધી જવાની હિમત થતી નથી.
સુરતની પ્રજાને ગાઇડ લાઇનના નામે અપાતા ત્રાસની ફરિયાદ મુખ્યમંત્રી સુધી પહોંચી
(Surat) એક બાજુ ચૂંટણી વખતે રાજકીય કાર્યક્રમોના તાયફાઓને મૂક પ્રેક્ષક બની રહેલી પોલીસ (Police) અને મનપાના (Corporation) તંત્રએ હવે કોરોના બેકાબુ બનતા શહેરના સામાન્ય લોકો, વેપારી, રોજે રોજનુ કમાઇને ખાતા કારીગર વર્ગ પર કાયદાનો કોરડો વિંઝવાનો શરૂ કર્યો છે. જેના કારણે પ્રજામાં રોષની (Resentment) લાગણી છે તેમજ તંત્ર સાથે ઘર્ષણના બનાવો પણ વધી રહ્યાં છે. તંત્રની આ બેધારી નીતી તેમજ પ્રજાજનોને ગાઇડલાઇનના નામે થતી કનડગત અને બીજી બાજુ માલેતુજારો સામે તંત્રના સુચક મૌન બાબતે પ્રજાની વેદનાનો પડઘો પડતા અહેવાલ છેલ્લા એક અઠવાડિયાથી ‘ગુજરાતમિત્ર’ પ્રકાશીત કરવાનું શરૂ કરતા આખરે સુરતના ધારાસભ્યોને પોતાની પ્રજા પ્રત્યેની જવાબદારીની યાદ આવી છે. સુરતની સામાન્ય પ્રજાનો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.