સુરત : પાલનપુર જકાતનાકા ખાતે રહેતા પશુપાલકના નામે ફેસબુક (Facebook) પર ફેક આઈડી (Fake ID) બનાવી તેમાં ગે કપલનો વિડીયો (Video) મુકી તેનો મોબાઈલ નંબર (Mobile Number) નીચે લખી બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. પશુપાલકે રાંદેર પોલીસ (Police) સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુર જકાતનાકા ખાતે રહેતા 29 વર્ષીય આકાશભાઈ મીર (નામ બદલ્યું છે) પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગત 4 સપ્ટેમ્બરે તેમના બનેવીએ વોટ્સએપ ઉપર મેસેજ કરીને આકાશભાઈને તેમના નામે કોઈ ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવી હોવાનું તથા તેની આઈડીમાં આકાશભાઈનો ફોટો તથા સજાતીય સંબંધ બનાવતા હોય તેવા ગે કપલની સ્ટોરી રિલ્સ મુકી હોવાનું કહ્યું હતું. જેથી આકાશભાઈ મીરે આ ફેસબુક આઈડી ચેક કરતા તેમાં ગે કપલનો વિડીયો હતો અને તેમનો મોબાઈલ નંબર નીચે આપ્યો હતો. બાદમાં આ ફેસબુક આઈડી બદલીને કાલીયા છોડા ભીમ કરી નાખ્યું હતું. જેથી આકાશભાઈએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
વેસુમાં રહેતા વેપારીને દિલ્હીના પિતા-પુત્રએ દલાલ સાથે મળી 91 લાખનો ચુનો ચોપડ્યો
સુરત : વેસુ ખાતે રહેતા અને ઉધનામાં કારખાનું ધરાવતા વેપારીને દિલ્હીના મલ્હોત્રા પિતા-પુત્રએ કાપડ દલાલ સાથે મળી 91.92 લાખનો ચૂનો ચોપડયો હોવાની ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુમાં જે.એચ.અંબાણી સ્કૂલ પાસે કેસલ બ્રાઉનમાં રહેતા 34 વર્ષીય અભિષેક યુધિષ્ઠિરભાઇ બત્રા ઉધના ઉદ્યોગનગર ખાતે હની પ્રિન્ટ્સના નામે કાપડની દુકાન અને ગોડાઉન ધરાવે છે.
કાપડ દલાલ સવેન્દરસિંગ રામસિંગ (રહે.તીરથનગર, ન્યુ દિલ્હી) સાથે વર્ષ 2015માં તેમનો પરિચય થયો હતો. કાપડ દલાલે દિલ્હીના જ વેપારી નિરપાલસિંગ મલ્હોત્રા અને તેમના પિતા પ્રાતપસિંગ સાથે ઓળખાણ કરાવી હતી. પિતા-પુત્ર મોટાપાયે કાપડનો બિઝનેસ કરતા હોવાની છબી ઉભી કરીને તેઓ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, દુબઇ સહિત વિદેશોમાં પણ વ્યાપક ધંધો કરતા હોવાનું કહીં વિશ્વાસ અપાવ્યો હતો. જેથી વેપારીએ તેમના પ્રભાવમાં આવીને માલ આપતા પ્રારંભમાં 1.50 કરોડના માલનું પેમેન્ટ પિતા-પુત્રએ સમયસર ચુકવ્યું હતું. ત્યારબાદ ટૂકડે-ટૂકડે મળી કુલ 91.92 લાખનો કાપડનો માલ ખરીદ્યો હતો. જેનું પેમેન્ટ સમયસર નહીં આપી ગલ્લા તલ્લા શરૂ કર્યા હતા. બાદમાં વર્ષ 2017 માં ભાઠેના ખાતેના તેમના ગોડાઉનને તાળા મારી દીધા હતા. અને દિલ્લીની દુકાનને પણ તાળા મારી ફોન બંધ કરી ગાયબ થઈ ગયા હતા. ઉધના પોલીસે બંને પિતા પુત્ર સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.