સુરતમાં ડી-સ્ટાફમાં નબળાં માથાં વધેરાયાં, વિવાદી પોલીસ ડી-સ્ટાફની બદલી શા માટે નહીં – Gujaratmitra Daily Newspaper

SURAT

સુરતમાં ડી-સ્ટાફમાં નબળાં માથાં વધેરાયાં, વિવાદી પોલીસ ડી-સ્ટાફની બદલી શા માટે નહીં

સુરત: (Surat) સુરત પોલીસ વિભાગના (Police Department) ડી-સ્ટાફમાં (D Staff) છેલ્લા કેટલાક સમયથી બદલીઓની વાત કરવામાં આવી હતી. તેમાં એવું કહેવાય છે કે, નાનાં માથાંની બદલી કરવામાં આવી છે. જ્યારે વાસ્તવમાં વિવાદી જમાદારોની બદલી (Transfer) કરવામાં આવી નથી. આ મામલે કમિ. અજય તોમરને તેમના ઉચ્ચ અધિકારીઓએ ગાફેલ રાખ્યા હોવાની વાત છે. જો કમિ. તોમર તપાસ કરે તો વાસ્તવમાં મોટાં માથાં હજુ હેમખેમ હોવાની વાત છે. એક સાથે 26 જેટલા કોન્સ્ટેબલની બદલી કોથળામાંથી બિલાડું નીકળ્યું હોય તેમ છે. પોલીસ કમિશનર અજય તોમરે ડી-સ્ટાફના નામે ભ્રષ્ટાચાર આચરતા આ કોન્સ્ટેબલોની સામે આકરાં પગલાં ભરવામાં આવ્યાં હોવાની વાત છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહી હતી. પરંતુ વાસ્તવિકતા આખી અલગ છે. હજુ પણ આગામી દિવસોમાં અન્ય કેટલાક ડી-સ્ટાફની બદલી થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. પરંતુ મોટાં માથાં વધેરાય એ આ શહેરના લોકોની સુખાકારી માટે જરૂરી થઇ ગયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરત પોલીસ કમિશનરે વરાછા પોલીસના બે કોન્સ્ટેબલ, કાપોદ્રાનો 1, ઉધનાના 2, લિંબાયતના 4, ગોડાદરાના 1, લાલગેટના 1, સિંગણપોરના 3, કતારગામના 3, અઠવાલાઇન્સના 3, ખટોદરાનો 1, પાંડેસરાનો 1, રાંદેરના 2, અડાજણનો 1 અને જહાંગીરપુરાના એક કોન્સ્ટેબલને બદલી કરી શહેરના ઇકો સેલ, ટ્રાફિક તેમજ સાયબર ક્રાઇમમાં મોકલી દેવામાં આવ્યા છે. જો કે, આ તમામ કોન્સ્ટેબલોની નબળા જેટલાની બદલી થઇ છે તે તમામ કોન્સ્ટેબલો ડી-સ્ટાફના નામે તોડ કરતા હોવાની અનેક ફરિયાદો ઊઠી હતી, પરંતુ તેમની સામે સ્થાનિક પોલીસ દ્વારા કોઇ પગલાં લેવામાં આવતાં ન હતાં. તમામને સ્થાનિક ઉપરી અધિકારીઓ જ છાવરી રહ્યા હતા. વારંવાર તોડબાજીની ફરિયાદો અને અહેવાલો પ્રસિદ્ધ થતાં આખરે પોલીસ કમિશનરને આ પગલું ભરવું પડ્યું છે. આગામી દિવસોમાં બીજા માથાભારે કોન્સ્ટેબલોની બદલી થવાની સંકેતો જોવા મળી રહ્યા છે.

આ વિવાદી પોલીસ ડી-સ્ટાફની બદલી શા માટે નહીં

  • -અડાજણના હિતેન્દ્રસિંહ સામે ગંભીર ફરિયાદો છે. આ અધિકારી તેમના ઉપરીઓની મહેરબાનીથી જેમના તેમ છે.
  • -ડિંડોલીમાં સંતોષ અને અન્ય 2 કોન્સ્ટેબલ સામે ગંભીર ફરિયાદો છે. પરંતુ અહીં કાંઇ કરવામાં આવ્યું નથી.
  • -જીઆઇડીસીમાં ચાર વર્ષથી પંકજ સામે સંખ્યાબંધ ફરિયાદો છે. આ કોન્સ્ટેબલ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
  • -કતારગામમાં રવિ અને ઇચ્છાપોરમાં રાજભા સામે ફરિયાદો કરાઇ છે. આ લોકો પણ યથાવત છે.
  • -પાંડેસરામાં રાજુ સામે સંખ્યાબંધ ફરિયાદો છે. પરંતુ કાર્યવાહીના નામે મીંડું છે. અહીં નવ લોકોની બદલી કરાઇ, પરંતુ રાજુને બચાવી લેવાયો.
  • -ઉધનામાં નરેશ 3 વર્ષથી કોઇ પૂછનાર નથી. તેની સામે પણ સંખ્યાબંધ ફરિયાદો હોવાની વાત છે.
  • -લિંબાયતમાં પઢિયારનો વહીવટ બદનામ છે. હાલમાં ક્લબો ચાલી રહી છે, પરંતુ આ મહાશયને કોઇ બોલનાર નથી.
  • -મહિધરપુરાનો ડી-સ્ટાફ તો કાબૂ બહાર છે. તેમાં ડી-સ્ટાફના બે કોન્સ્ટેબલ સામે સંખ્યાબંધ ફરિયાદો છે.
  • -આવી જ હાલત સચિન, રાંદેર, લાલગેટમાં છે.

ટ્રાફિકના ભ્રષ્ટ કોન્સ્ટેબલોની બદલી ક્યારે?

સુરત પોલીસ કમિશનરે શહેરનાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલોની બદલી કરી નાંખી છે. બીજી તરફ શહેરમાં ખુલ્લેઆમ દંડના નામે ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલો અને ટીઆરબી જવાનો લોકોની પાસેથી પૈસા ઉઘરાવી રહી છે. બે દિવસ પહેલાં પુણા પોલીસના જ બે કોન્સ્ટેબલે માસ્કના નામે એકની પાસેથી 500 રૂપિયા પડાવી લીધા હતા. બે કોન્સ્ટબલ સામે ગુનો પણ નોંધાયો હતો. પરંતુ તેમની બદલી કરી તેમની સામે ક્યારે પગલાં લેવાય છે એ જોવું રહ્યું.

Most Popular

To Top