સુરત (Surat) : શહેરના પીપલોદ (Piplod) ખાતે આવેલા બ્લ્યુ આઇ થાઇ સ્પા (Blue Eye Thai Spa Raid) ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (Anti Human Trafficking’s Unit) દ્વારા આજરોજ રેઈડ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ત્યાંથી થાઈલેન્ડની 19 મહિલાઓને મુક્ત કરાવી કુટણખાનું ચલાવનારની સામે ફરિયાદ નોંધી વધારે તપાસ કરવા ઉમરા પોલીસને સોંપી હતી. દરમિયાન આ દરોડામાં કમિ. અજય તોમર તપાસ કરે તો તેમાં સ્થાનિક સ્ટાફ દ્વારા મોટા પાયે તોડબાજીના આક્ષેપો કરવામાં આવ્યા છે.
- પીપલોદના બ્લ્યુ આઈ થાઈ સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર પોલસીની રેઈડ વિવાદમાં : ચોક્કસ લોકોના નામ ફરિયાદમાં નહીં લખવા બદલ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરે લાખોનો તોડ કર્યો હોવાની પોલીસ બેડામાં ચર્ચા
આ દરોડામાં ચોક્કસ લોકોના નામ પોલીસ ચોપડે નહીં લખવા માટે લાખ્ખોની રકમ પડાવાઇ હોવાની વાત પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે. આ મામલો કમિ. અજય તોમર સુધી પહોચ્યો હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન ઇન્ચાર્જ પીઆઇ દ્વારા કરવામાં આવેલા આ દરોડાની કાર્યવાહી હાલમાં શંકાના દાયરામાં આવી છે. બંધ સ્પાનું તાળુ તોડીને લલનાઓને મુકત કરાવવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. આ દરોડા કરનાર પોલીસ અધિકારી સામે અગાઉ પણ આવા આક્ષેપ કરાયા હોવાની વિગત જાણવા મળી છે. કમિ. અજય તોમર દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર દ્વારા શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર ત્રાટકી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે A.H.T.U.ની ટીમના માણસોએ બાતમીના આધારે પીપલોદ કારગીલ ચોકની પાસે બેંક ઓફ ઇન્ડીયાની બાજુમાં આવેલા સિલેક્શન સ્પોર્ટસની દુકાનની ઉપર “બ્લ્યુ આઇ થાઇ સ્પા” નામના સ્પામાં રેઈડ કરી હતી. સ્પાના માલિક સંજયભાઇ પાટોડીયા (રહે.સુરત) એ પોતાના સ્પામાં થાઈલેન્ડની કુલ 19 મહિલાઓને રાખી હતી. તે મહિલાઓ પાસેથી સ્પા, મસાજની આડમાં દેહવેપારનો ધંધો કરાવાતો હતો. તે ધંધામાથી સ્પાની દુકાનનો માલિક કમિશન કાઢતો હતો. દુકાનના માલિક અવિનાશ પુરષોત્તમભાઇ પટેલે દુકાનમાં સંજય સ્પાના નામે દેહ વેપારનો ધંધો ચલાવતો હોવાનું જાણતો હતો. છતાં પોતાની દુકાન ભાડેથી આપી હતી.