સુરતઃ (Surat) શહેરના કાપોદ્રા ખાતે રહેતા અને સાડીમાં સ્ટોન લગાડી પરિવારનું ગુજરાન ચલાવતા વેપારીને પુણા કબૂતર સર્કલ પાસે પ્રકાશ પાટીલ નામના પોલીસ કોન્સ્ટેબલ અને એક રિક્ષા ચાલકે ઉભા રાખી તેમની પાસેથી 5020 રૂપિયા પર્સમાંથી બળજબરી દંડના (Fine) નામે કાઢી લીધા હતા. આ રૂપિયાના બદલે તેમને કોઈ રસીદ નહીં આપતા હિરેનભાઈ દ્વારા પુણા પોલીસ સ્ટેશનમાં (Police Station) પોલીસ કોન્સ્ટેબલ (constable) પ્રકાશ પાટીલ અને રિક્ષા ચાલકની સામે ખંડણીની ફરિયાદ દાખલ કરાવી છે. પુણા પોલીસે તપાસના આધારે પ્રકાશ પાટીલને પકડી લેતા તે હાલ હેડક્વાર્ટરમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા ખાતે શ્રીજીનગર સોસાયટીમાં રહેતા 30 વર્ષીય હિરેનભાઈ રમેશભાઈ ઠુમ્મર ભાગીદારીમાં માણકી હેન્ડવ નામથી સાડીઓ ઉપર સ્ટોન અને લેસ પટ્ટી લગાવવાનું કામ કરે છે. તેમના દ્વારા પુણા પોલીસ સ્ટેશનમાં પ્રકાશ પાટીલ (પો.કો.બ.નં.2713) તથા તેની સાથેનો રિક્ષા (જીજે-05-સીટી-0471)ના ચાલકની સામે ખંડણીની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે હોળીના દિવસે સવારે હિરેનભાઈ તેમના ભાગીદાર અનિલભાઈ સાવલીયા સાથે મારુતી ઇકો કાર જીજે-05-આરસી-4160માં સાડીઓ ભરી તેમના ગોડાઉન (ભીડ ભંજન સોસાયટી, નાના વરાછા) ખાતેથી નીકળી મીઠી ખાડી લિંબાયત ખાતે સાડીઓ ફોલ્ડીંગ કરાવવા માટે લઈ જતા હતા.
ત્યારે કબૂતર સર્કલ પાસે રિક્ષામાં આવેલા આ બંને જણાએ કાર સાઈડ પર લગાવવા કહ્યું હતું. પાછળ બેસેલા ખાખી વરદીધારીએ અનિલભાઈને નીચે ઉતારી પોતે બાજુમાં બેસી ગયો હતો. અને કાર થોડા આગળ લઈ જવા કહ્યું હતું. આગળ દઈને હિરેનભાઈને ‘કારનો ઉપયોગ માલના વહન માટે કરતા હોવાથી મોટો દંડ ભરવો પડશે’ તેવું કહ્યું હતું. હિરેનભાઈએ તેમની પાસે વધારે પૈસા ન હોવાથી ઓછા દંડમાં પતે તેવી આજીજી કરી હતી. પોલીસ કર્મચારીએ બળજબરી પુર્વક ખિસ્સામાંથી 5020 રૂપિયા કાઢી લીધા હતા. પુણા પોલીસે ખંડણીનો ગુનો દાખલ કરી હેડક્વાર્ટરમાં નોકરી કરતા પ્રકાશ પાટીલ અને રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી. પ્રકાશે વર્ષ 2019 માં પણ આ રીતે ઉધના પોલીસ સ્ટેશનની હદમાં ખંડણી માંગી હતી.
કાર ચાલક વેપારીએ ‘સાહેબ ખિસ્સામાં આટલા જ રૂપિયા છે થોડા તો રહેવા દો’ તેવી આજીજી કરી છતાં સાંભળ્યું નહીં
હિરેનભાઈએ તેમની પાસે આના સિવાય એક પણ રૂપિયો ન હોવાથી થોડા રૂપિયા તો રહેવા તો તેવી વિતંની કરી છતાં પોલીસ કર્મચારીએ પાકીટમાં એક પણ રૂપિયો રહેવા દીધો નહોતો. તેમની પાસેથી રસીદ કે મેમો માંગ્યો તો તે પણ આપી નહોતી. એટલીવારમાં તેમના ભાગીદાર અનિલભાઈ ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસ કર્મચારીની નેમ પ્લેટ વાંચી હતી. જેના આધારે પુણા પોલીસમાં આ અંગે ફારિયાદ દાખલ કરાવી છે.