SURAT

સુરત પોલીસ કમિશનરે નવરાત્રિ માટે જાહેરનામું બહાર પાડ્યું, જાણી લો નિયમ..

સુરતઃ નવરાત્રિના આયોજનને લઈ સુરત પોલીસનું જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે. આ વર્ષે ખૈલેયાઓની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પહેલાંથી જ આયોજકોને સચેત કરી દીધા છે. આ ઉપરાંત ગરબા રમતી યુવતીની સુરક્ષા માટે પણ પોલીસ દ્વારા વિશેષ આયોજન કરાયું છે.

રાજકોટની ઘટના બાદ સુરત પોલીસ પણ એલર્ટ બની છે. ખૈલેયાઓની સુરક્ષાને લગતા તમામ પાસાઓ ધ્યાનમાં રાખીને જ આયોજકોને પરવાનગી આપવામાં આવશે તેવી માહિતી આજે સુરત ડીસીપી હેતલ પટેલે આપી હતી. નવરાત્રિ દરમિયાન જો અચાનક જ કોઈ મહિલાને સુરક્ષા માટે જરૂર હશે તો તે હેલ્પલાઇન નંબર પર કોલ કરતાં થોડી જ મિનિટોમાં પોલીસ જે તે મહિલાની મદદ માટે પહોંચી જશે. સુરત પોલીસની શી ટીમ ચણીયા ચોળી સહિત ટ્રેડિનશલ ડ્રેસ પહેરી ગરબા આયોજનોમાં હાજર રહેશે. જેથી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. શી ટીમ વિવિધ વિસ્તારોમાં ટ્રેડિનશનલ ડ્રેસમાં ફરજ બજાવશે. ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરાશે.

રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રિના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે. ગયા વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી. આ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે. ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે. મોટી નવરાત્રિના આયોજનોમાં શી ટીમ ફરજ બજાવશે. મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નમ્બર પર ફોન કરીને મદદ માગશે. તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે.

ડીસીપી હેતલ પટેલે કહ્યું કે, પોલીસની શી ટીમ પરંપરાગત પરિવેશમાં ગરબાના ગ્રાઉન્ડમાં રહેશે. આ સાથે ડ્રોન સર્વલેન્સ પણ કરવામાં આવશે. રાજકોટમાં જે ગેમ ઝોનની ઘટના બની એ ઘટનાને ધ્યાનમાં રાખી બંધ ડોમ અથવા તો સ્ટ્રક્ચરની અંદર જ્યાં આયોજન થાય છે. ત્યાં લોકોની અને પાર્કિંગની કેપિસિટી ખાસ જોવામાં આવશે. એમના ઇમર્જન્સીના પ્લાનિંગ શું છે, ફાયરના પ્લાનિંગ શું છે. તે અંગેની તમામ માહિતી એકત્ર કરવામાં આવશે. ત્યાર પછી જ તેમને મંજૂરી આપવામાં આવશે. સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટી રિપોર્ટ વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે. ત્યાર પછી જ તેમને લાઇસન્સ મળશે.

Most Popular

To Top