SURAT

લોકોને દૂધ મળે તે માટે સુરતના પોલીસ કમિશનરે સાયકલ પર નાઈટ પેટ્રોલિંગ કર્યું

સુરત: એક અધિકારી કેવા હોવા જોઈએ તેનું જીવંત ઉદાહરણ સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે મંગળવારની રાત્રે પૂરું પાડ્યું. માલધારીઓની હડતાળના લીધે સુરત શહેરના લોકોને દૂધ મળશે કે નહીં તેની ચિંતા એરકન્ડીશન ઓફિસમાં બેઠાં રહી કરવાના બદલા સુરતના પોલીસ કમિશનર ફિલ્ડ પર ઉતર્યા હતા. તે પણ કોઈ યુવાન સ્પોર્ટ્સમેનની જેમ. અજય કુમાર તોમર રાત્રે સાયકલ લઈને સુરત શહેરના રસ્તાઓ પર નીકળી પડ્યાં હતાં. તેઓએ આખી રાત સાયકલ પર પેટ્રોલિંગ કર્યું હતું. સુરતના લોકોની સવારની ચા નો સ્વાદ નહીં બગડે તે માટે કમિશનરે આખી રાત ઉજાગરો વેઠ્યો હતો.

રખડતા ઢોર નિયંત્રણ સહિતના મુદ્દે માલધારી સમાજે ગુજરાત સરકારે સામે રણશિંગૂ ફૂંક્યું તા. 21મી સપ્ટેમ્બરને બુધવારના રોજ હડતાળનું એલાન કરાયું હતું. માલધારી સમાજ પોતે દૂધ નહીં વેચે પરંતુ અન્ય ડેરીઓને પણ વેચતા રોકશે તેવી આશંકા સાથે સુરતની સુમુલ ડેરી પર મંગળવારે રાત્રિથી જ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દરમિયાન કેટલાંક ઠેકાણે દૂધ રસ્તા, નદીઓમાં ઢોળી દેવાની ઘટનાઓ બનવા માંડી હતી. જેના પગલે શહેરનું પોલીસ તંત્ર દોડતું થયું હતું. સુરત શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમર રાત્રે જ સુમુલ ડેરી પર દોડી ગયા હતા.

સામાન્ય રીતે કાફલા સાથે કારમાં આવતા પોલીસ કમિશનર અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. તેઓ સાયકલ પર સાયકલિસ્ટ જેવા કપડાં, હેલ્મેટ પહેરીને આવ્યા હતા. અહીં અધિકારીઓ અને સુમુલ ડેરીના સ્ટાફને જરૂરી સૂચના આપી હતી. ત્યાર બાદ પોલીસ કમિશનરે શહેરના કતારગામ, કાપોદ્રા, વરાછા, મહીધરપુરા, લાલકેજ, ચોકબજાર વિસ્તારમાં સાયકલ પર જ નાઈટ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસ કમિશનરના સાયકલ પેટ્રોલિંગના લીધે સવારે શહેરના મોટા ભાગના વિસ્તારમાં સુમુલનું દૂધ પહોંચી શક્યું હતું અને લોકોને સવારની ચા નસીબ થઈ હતી.

દરમિયાન સવારે કેટલાંક ઠેકાણે દૂધ નહીં પહોંચ્યું હોવાના સમાચાર બહાર આવ્યા હતા. વળી, કેટલાંક તોફાની તત્વો દ્વારા સુમુલ ડેરીના દૂધના વાહનોને આંતરી દૂધ રસ્તા પર અને નદીઓમાં ફેંકી દેવાની ઘટનાઓ બની હતી. જેના પગલે સવારે ફરી સુરત શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમર સુમુલ ડેરી પર દોડી ગયા હતા અને પોલીસ પ્રોટેક્શનમાં 140 વાહનો ભરીને દૂધની ડિલીવરી કરવાની વ્યવસ્થા ગોઠવી હતી.

Most Popular

To Top