સુરત: (Surat) 23 દિવસથી ગુમ શબાનાની હત્યાનો ગુનો મહિધરપુરા પોલીસે (Police) ઉકેલી નાંખ્યો છે. શબાનાની હત્યા (Murder) તેના જ પ્રેમી (Lover) અને જહાંગીરપુરાના ઉગત-કેનાલ રોડ ઉપર રહેતા પ્રકાશ દેવીપૂજક નામના યુવકે કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હેર સ્ટાઈલના આધારે પ્રકાશને પકડી પાડ્યો હતો. શબાનાએ પ્રકાશ પાસે 1000 રૂપિયા માંગ્યા હતા પરંતુ પ્રકાશે માત્ર 300 રૂપિયા આપવાનું કહેતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદ પ્રકાશે શબાનાનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. શબાનાની લાશ 20 દિવસ બાદ મહિધરપુરાના વાઘેલા ચેમ્બર્સના પાર્કિંગમાંથી મળી આવી હતી.
માન દરવાજા વિસ્તારમાં રહેતી શબાના ગત તા.10મી જૂનના રોજ ઘરેથી ગુમ થઇ હતી. તેની લાશ 20 દિવસ બાદ મહિધરપુરાના વાઘેલા ચેમ્બર્સના પાર્કિંગમાંથી મળી આવી હતી. આ ઘટનાને લઇ પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કરી આરોપીને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. દરમિયાન આ યુવક જહાંગીરપુરા-ઉગત કેનાલ રોડ ઉપર ઝૂંપડપટ્ટીમાં રહેતો હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. મહિધરપુરા પોલીસે રાંદેર પોલીસની મદદ લઇ ઝૂંપડપટ્ટીમાં રહેતા પ્રકાશ બબાભાઇ દેવીપૂજકની અટકાયત કરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન પ્રકાશ મજૂરીકામ કરતો હતો અને તેની મુલાકાત શબાના સાથે થઇ હતી. બંને વચ્ચે શરીર સંબંધો પણ બંધાયા હતા. 10મી જૂનના રોજ શબાનાએ પ્રકાશને મળવા માટે બોલાવ્યો હતો અને 1000 રૂપિયા માંગ્યા હતા. પ્રકાશ પાસે માત્ર 300 રૂપિયા હોવાથી તેને વધારે રૂપિયા આપવાની ના પાડી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. શબાના વારંવાર રૂપિયા માંગતી હોવાથી પ્રકાશ કંટાળી ગયો હતો અને આખરે પ્રકાશે તેની હત્યા કરી નાંખી હતી. મહિધરપુરા પોલીસે પ્રકાશની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
હેર સ્ટાઇલ ઉપરથી પ્રકાશ પકડાઈ ગયો
પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા તેમાં એક રિક્ષામાં શબાના અને તેની સાથે યુવક જોવા મળ્યો હતો. મોબાઇલ પોકેટ કોપના આધારે રિક્ષાનો નંબર જાણી આ યુવક રાંદેરમાં રહેતો હોવાની વિગતો મળી હતી. ત્યારબાદ રાંદેર પોલીસની મદદ લઇ બે દિવસ વોચ ગોઠવ્યા બાદ પ્રકાશ રસ્તા ઉપરથી પસાર થતો હતો. પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યાં તે અને પ્રકાશ બંનેની હેરસ્ટાઇલ સરખી જ હતી. તેના આધારે પ્રકાશને પ્રથમ અટકાયતમાં લેતાં ગુનાનો ભેદ ઉકેલાયો હતો.