સુરત: શહેરમાંથી ડુપ્લીકેટ ચલણી નોટના વધુ એક રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે એક આરોપીને રૂપિયા 24 હજારની નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસને બાતમી આધારે ઉન પાટીયાના ગુલનાઝનગરમાં ભાડેથી રહેતા 41 વર્ષીય શીવનંદન પાલને પકડ્યો છે. તેનું મૂળ વતન ઉત્તરપ્રદેશના ફતેહપુરનું રતવાખેડા ગામ છે. સુરતમાં શીવનંદન સાડી પ્રિન્ટિંગનું કામ કરતો હતો. દરમિયાન તેની મુલાકાત સલમાન અહેમદ સાથે થઈ હતી.
ઝડપથી સરળતાથી વધુ રૂપિયા કમાવવા માટે સલમાન અહેમતે શીવનંદનને ભારતીય ચલણની નકલી નોટો વટાવવાનો આઈડિયા આપ્યો હતો. સાડી પ્રિન્ટિંગનું કામ કરતો શીવનંદન બાદમાં નકલી નોટો વટાવવા લાગ્યો હતો. તે બનાવટી ચલણી નોટોનો શાકભાજી બજાર, નાના સ્ટોર અને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે કરતા હતા. આરોપીઓ બનાવટી ચલણી નોટો વટાવીને અસલ નોટો મેળવતો હતો. પોલીસે તેને પકડી પાડ્યો છે.
પોલીસે ઉધના વિસ્તારમાંથી નકલી નોટો સાથે શીવનંદનને પકડ્યો છે. 100 રૂપિયાના દરની 24 હજાર નકલી નોટો ઝડપાઈ છે. નકલી ચલણી નોટ સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તો અન્ય આરોપીઓ ફરાર થયા છે, જેની શોધખોળ પોલીસે આદરી દીધી છે. ઝડપાયેલો આરોપી સાડી પ્રિન્ટિંગમાં કામ કરતો હતો. આરોપી પાસેથી બનાવટી ચલણી નોટો છાપવાનું કલર પ્રિન્ટર, 75 બનાવટી નોટો છાપવાના કાગળો, ઈન્કની બોટલો સહિતની સામગ્રી પોલીસે કબ્જે કરી હતી.