SURAT

સુરતના આ વિસ્તારમાં જે લોકોના મોબાઈલ સ્નેચરોએ આંચકી લીધા હોય તે લોકો પોલીસનો સંપર્ક કરે

સુરત: શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઇલ સ્નેચિંગ કરેલા કુલ 14 મોબાઇલ તથા એક મોપેડ સાથે 2.46 લાખના મુદ્દામાલ સાથે ડિંડોલી પોલીસે બે રીઢા સ્નેચરોને ઝડપી પાડ્યા હતા. સ્નેચરોની પુછપરછ કરતા ડીંડોલી પોલીસ સ્ટેશનના 3 તથા ગોડાદરા પોલીસ સ્ટેશનના 1 ગુના સહિત મોબાઈલ સ્નેચિંગના 4 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. મોબાઈલ સ્નેચિંગના વધતા ગુનાઓના પગલે ગુજરાત મિત્રમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ બાદ પોલીસ હરકત માં આવી છે અને જો આ વિસ્તારના કોઈ પણ નાગરિકનો મોબાઈલ ફોન સ્નેચરો દ્વારા તફડાવી લેવામાં આવે તો તાત્કાલિક ડિંડોલી પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

  • ડિંડોલી, ગોડાદરા અને લિંબાયત વિસ્તારમાંથી 14 મોબાઈલ સ્નેચિંગ કરનાર બે લબરમૂછિયા ઝડપાયા
  • આ વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગ થયા હોય તેવા લોકો ડિંડોલી પોલીસનો સંપર્ક કરી શકે છે
  • મોબાઈલ ચોરીના 5 ગુના ઉકેલાયા બીજા 9 ગુનાનો ભેદ અકબંધ

શહેરમાં છેલ્લા ઘણા સમયથી ફરી મોબાઈલ અને ચેઈન સ્નેચિંગના બનાવો વધી જવા પામ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના અસંખ્ય બનાવો બને છે. જેમાંથી 50 ટકા માંડ પોલીસ સુધી પહોંચે છે. ઓનલાઈન આવેલી અરજીઓના આધારે થોડાઘણા ગુના નોંધાય છે. આ માટે પોલીસે કમર કસીને સ્નેચરોને પકડી પાડવા કવાયત શરૂ કરી હતી. ત્યારે ડિંડોલી સર્વેલન્સની ટીમને મહદઅંશે સફળતા મળી છે. ડિંડોલી પોલીસની ટીમને અગાઉ મોબાઈલ સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા બે જણા એક નંબર વગરની કાળા કલરની મોપેડ લઈને સ્નેચિંગ કરેલા મોબાઈલ ફોન વેચવા ડીંડોલી ખાતે સી.આર. પાટીલ બ્રિજ નીચે આવી રહ્યા હોવાની બાતમી મળી હતી.

ડિંડોલી પીએસઆઈ હરપાલસિંહ મસાણી તેમની ટીમ સાથે વોચમાં ગોઠવાઈ ગયા હતા. અને બાતમી મુજબના આરોપી ગણેશ ઉર્ફે નાટ્યા કૈલાશ દગા પાટીલ (ઉ.વ.૨૧, રહે-૧૦૭ કૃષ્ણનગર-૧ શાંતિનગર ની પાછળ લિંબાયત) તથા હરીશ ઉર્ફે હર્ષલ ઉર્ફે કાલીયા સંજય રામા સાળી (ઉ.વ.૧૯, રહે- ૮૧ શાંતિનગર-૧ લિંબાયત) ને ઝડપી પાડ્યા હતા. તેમની ઝડતી લેતા તેમની પાસેથી અલગ અલગ કંપનીના 1.56 લાખની કિંમતના 14 સ્માર્ટ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. અને મોપેડ મળીને કુલ 2.46 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. બન્ને આરોપીઓની પૂછપરછ કરતા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી આ 14 મોબાઈલ સ્નેચિંગ કર્યાની કબૂલાત કરી હતી. આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધારે પુછપરછ હાથ ધરી છે.

આરોપીઓ ડિંડોલી, લિંબાયત અને ગોડાદરામાં ટાર્ગેટ કરતા હતા
પીએસઆઈ હરપાલસિંહે જણાવ્યું હતું કે, આરોપીઓ લિંબાયત, ગોડાદરા અને ડિંડોલી વિસ્તારમાં સ્નેચિંગને અંજામ આપતા હતા. તેમાંયે સવારે અને સાંજે ભીડ ઓછી હોય તેવા ખુલ્લા રસ્તાઓ ઉપર સ્નેચિંગ કરીને ભાગી જતા હતા. જેથી આ વિસ્તારમાં જો કોઈના મોબાઈલ સ્નેચિંગ થયા હોય તેઓ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી શકે છે.

Most Popular

To Top