SURAT

હૂરટ એટલે હૂરટ…ગામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં- પીએમ મોદીનું સુરતીઓને સંબોધન

સુરત: હીરાનગરી તરીકે ઓળખાતા સુરતને (Surat) આજે વિશ્વમાં આગવી ઓળખ મળી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સુરત ડાયમંડ બુર્સના (Surat Diamond Bourse) ઉદ્ધાટન સાથે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના (Surat International Airport) ટર્મનિલનું પણ લોકાર્પણ કર્યું છે. આજે સુરતને માત્ર એક નહિ પરંતુ બે સોગાત મળી છે. જ્યાં એક તરફ ડાયમંડ બુર્સના ઉદ્ધાટનથી સુરતના હીર વેપારીઓને વૈશ્વિક ઓળખ મળી છે તો બીજી તરફ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બનતા આજે સુરતને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ મળી છે.

ઉદ્દઘાટન બાદ વડાપ્રધાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે હૂરટ એટલે હૂરટ… સુરત પાસે ઈતિહાસનો અનુભવ, વર્તમાનના રસ્તા અને ભવિષ્યની દૂરંદેશી તેનું નામ સુરત. અમારું હૂરટ એવું કે ગામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં… ગમે તેટલી ઉતાવળ હોય ખાણીપીણીની દુકાને અડધી કલાક ઉભા રહેવાની ધીરજ સુરતીઓમાં જ. શરદપૂનમે દુનિયા આખી ધાબા પર જાય હુરતી પરિવાર સાથે ઘારી ખાતો રહે. અને મોજીલો એવો કે નાકાના સર્કલ પર આંટો મારવા ન જાય પણ વિશ્વ આખું ફરે. જો કે આ પ્રસંગમાં દેશ વિદેશના મહેમાનો સહિત અંદાજે 30 હજારથી વધુ લોકો ભેગા થયા હતા.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મને યાદ છે 40-45 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના ભાઈઓ સુરત તરફ વળ્યા ત્યારે પૂછ્યું તો સૌરાષ્ટ્રના ભાઈઓ કે અમારા કાઠિયાવાડ અને હૂરતમાં ભારે અંતર. કાઠિયાવાડમાં મોટર સાયકલ ટકરાય તો તલવાર ઉછળે હુરટમાં એવું થાય તો કહે જો ની ભાઈ તારી પણ ભૂલ છે અને મારી પણ ભૂલ છે. છોડ ની.

વન સ્ટોપ સેન્ટર બન્યું સુરત ડાયમંડ બુર્સ: મોદી
સુરત ડાયમંડ બુર્સમાં તમામ સુવિધા છે. રિટેલ જ્વેલરી મોલ, ઈન્ટરનેશનલ બેન્કિંગ તમામ પ્રકારની સુવિધા છે. રત્નકલાકારો, વેપારી, કારખાનેદારો, હીરા ખરીદનારા વેચનારા તમામ માટે આ સ્થળ વન સ્ટોપ ડેસ્ટિનેશન બન્યું છે. સુરતે દેશને ઘણું આપ્યું છે. પરંતુ સુરતમાં હજુ ઘણું સામર્થ્ય છે. આ હજુ શરૂઆત છે. હજુ આગળ વધવાનું છે. પાછલા 10 વર્ષમાં ભારત 10માં નંબર પરથી 5 મા નંબરના વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર તરીકે ઉભર્યું છે. હવે મોદીએ દેશને ગેરન્ટી છે કે આગલા વર્ષોમાં ભારત ટોપ થ્રી ઈકોનોમી બનશે.

સુરત ધારે તો જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ ડબલ ડિજીટમાં પહોંચી શકે
મોદીની ગેરન્ટીથી સુરતના લોકો પહેલાથી જ વાકેફ છે. સુરત ડાયમંડ બુર્સ મોદીની ગેરન્ટીનું જ પરિણામ છે. આ બુર્સ ડાયમંડ, જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે અવસર પણ અને પડકાર પણ છે. નેચરલ અને લેબગ્રોન ડાયમંડમાં સુરત અગ્રણી છે. પરંતુ સમગ્ર જેમ એન્ડ જ્વેલરી સેક્ટરની વાત કરીએ તો ટોટલ એક્સપોર્ટમાં ભારતનો હિસ્સો માત્ર સાડા ત્રણ ટકા છે. સુરત ધારી લે તો ખૂબ જ જલ્દી જેમ જ્વેલરી એક્સપોર્ટમાં ભારત ડબલ ડિજીટમાં પહોંચી શકે છે. તમારા દરેક પ્રયાસમાં સરકાર તમારી સાથે રહેશે તેની મારી ખાતરી છે.

સુરતની ભવ્યતામાં વધુ એક ડાયમંડ જોડાયો. વિશ્વનો સર્વશ્રેષ્ઠ ડાયમંડ જોડાયો છે. તેની ચમક સામે દુનિયાની મોટી ઈમારતોની ચમક ફીક્કી પડી રહી છે. દુનિયા ભરના આર્કિટેક્ચરના સ્ટુડન્ટ્સને બોલાવી બતાવો કે આધુનિક સમયમાં ઉત્તમ બિલ્ડિંગ કેવી બનાવી શકાય? લેન્ડસ્કેપની રચનામાં પંચતત્વનો સામેલ કેમ કરાય તે સમજાવો.

હોંગકોંગની ફ્લાઈટ પણ શરૂ થશે: મોદી
સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. આજે સુરતનું સપનું પુરું થયું છે. મને યાદ છે હું પહેલાં આવતો હતો ત્યારે સુરતનું એરપોર્ટ કરતા બસસ્ટેશન સારા હતા. ઝૂંપડી જેવું હતું. આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. તે સુરતનું સામર્થ્ય દર્શાવે છે. સુરતથી દુબઈની ફ્લાઈટ આજથી શરૂ થઈ છે. ખૂબ વહેલી હોંગકોંગની ફ્લાઈટ શરૂ થશે. હવે ગુજરાતમાં ત્રણ ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા છે. તેના લીધે હીરા ઉપરાંત ટેક્સટાઈલ, ટુરિઝમ, એજ્યુકેશન, સ્ટીલ સહિત દરેક ઈન્ડસ્ટ્રીને લાભ થશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું… સુરત મિની ઈન્ડિયા બન્યું છે
આ ઉપરાંત આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સુરત મિની ઈન્ડિયા બન્યું છે. વડાપ્રધાનના વિઝનના પરિપાકરૂપે સુરતમાં ડ્રીમ સિટીના ભાગરૂપે સુરત ડાયમંડ બુર્સ બન્યું છે. આ વિશ્વના સૌથી વિશાળ ઓફિસ કોમ્પલેક્સ સાથે આધુનિક ભારતની મોદીની પહેલ છે.

Most Popular

To Top