SURAT

સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેંકમાં એક મહિનામાં 350 જેટલા લોકોએ પ્લાઝમા દાન કર્યું

સુરત: (Surat) કોરોના કટોકટી વચ્ચે પ્લાઝમાની જરૂરિયાત પૂરી કરવાં શહેરીજનોએ કોરોના યોદ્ધાઓની પડખે રહી સુરતવાસીઓએ વિક્રમજનક પ્લાઝમાદાન કરી દિલેરીના દર્શન કરાવ્યાં છે. હાલ કોવિડના બીજા ફેઝમાં યુવાધનને પણ ઝડપથી સંક્રમિત થયા હતા. ત્યારે શહેરમાં પ્લાઝમાની જરૂરિયાત હોવાનું જણાતા શહેરના માજી મેયર ડો. જગદીશભાઇ પટેલ તથા ‘નિલમાધવ ઈમ્પેક્ક્ષ’ડાયમંડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જગદીશભાઈ લુખ્ખી સહિત પાંચ જણાએ પ્લાઝમા દાન (Plasma donation) કરી માનવતા મહેંકાવી છે. કોરોનાના બીજા વેવમાં માત્ર એક મહિનામાં 350 જેટલા લોકોએ પોતાના પ્લાઝામાનું દાન કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભાવનગરના પાલીતાણાના નાના રાજસ્થળીના વતની સુરતના વરાછા વિસ્તારમાં આવેલી નિલમાધવ ઈમ્પેક્ક્ષ કંપનીના જગદીશભાઈ લુખ્ખીએ જણાવ્યું કે, ગત સપ્ટેમ્બર મહિનામાં કોરોના સંક્રમિત થયો હતો. CRP અને ડી-ડાયમર લેવલ વધી જતા તબીબોની સલાહ મુજબ ૧૦ દિવસ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લીધા બાદ કોવિડથી સ્વસ્થ થયો ત્યારે વિચાર આવ્યો કે દેશના જવાનો આપણા માટે બલિદાન આપી શક્તા હોય તો આપણે માનવતા નાતે રક્તદાન કે પ્લાઝમા દાન કરી જ શકીએ.

સંકટના સમયે કર્મભૂમિનું ઋણ અદા કરવાનો વારો છે. હાલ સૌરાષ્ટ્રમાં કોવિડની સ્થિતી શહેર કરતા ગંભીર છે અને કર્મભૂમિની સાથે સંકટ સમયે ઉભું રહેવું જોઈએ સુરતે આપણને ઝીરો માંથી હીરો બનાવ્યા છે. જયારે માજી મેયર ડો. જગદીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કહેર વચ્ચે પ્લાઝમાંનુ દાન કરવું ખુબ યોગ્ય નિર્ણય છે. અગાઉ નાજુક દીકરીને બચાવવા માટે પ્લાઝામાનુ દાન કર્યું હતું. જયારે રવિવારે બીજી વાર પ્લાઝમાં ડોનેટ કર્યુ હતું.

બ્લડ બેંકના વડા ડો. અંકિતાબેને જણાવ્યું હતું કે, કોરોનાના બીજા વેવમાં માત્ર એક મહિનામાં 350 જેટલા લોકોએ પોતાના પ્લાઝામાનું દાન કર્યું છે. ગત જાન્યુઆરી મહિનાથી માર્ચ મહિના સુધી કોરનાના કેસ ઓછા આવતા પ્લાઝમાં લેવામાં આવ્યા ન હતા. પરંતુ એપ્રિલ મહિનામાં કેસ વધુ આવતાની સાથે પ્લાઝમાની ડિમાન્ડ વધુ ઉભી થઇ હતી. જેના કારણે પ્લાઝમાં ડોનેટ કરવાનું અભિયાન કરવામાં આવ્યું હતું. જેથી લોકોએ સ્મીમેરની બ્લડ બેંકમાં આવી પ્લાઝામાનું દાન કર્યું છે.

Most Popular

To Top