SURAT

સુરત: પ્લેનમાં બેસીને ભાગે તે પહેલા પેસેન્જરના સ્વાંગમાં પોલીસે ગાંજાના સપ્લાયરને દબોચી લીધો

સુરત : ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વર (Ankleshwar) જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન (Police Station) હદમાંથી ચાર જણા પાસેથી 7.63 લાખનો ગાંજો (Cannabis) પકડાયો હતો. આ ગાંજો સુરતના (Surat) આરોપીએ મંગાવ્યાની માહિતી મળતા પોલીસ તેની શોધખોળ કરતી હતી. ત્યારે આરોપી એરપોર્ટ (Airport) પરથી ભાગી રહ્યાની માહિતીના આધારે પેસેન્જરના સ્વાંગમાં ગયેલી એસઓજી પોલીસે તેને દબોચી લીધો હતો. ભરૂચ એસઓજીની ટીમે ગત 10 ઓગસ્ટે અંકલેશ્વર વાલીયા ચોકડી પાસેથી ચાર જણાને 7.63 લાખની કિમતના 76.300 કિ.ગ્રા. ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. તેમની પુછપરછ કરતા આ ગાંજો ઓડીશા ખાતેથી તેમની પાસે સુરતમાં અશ્વિનીકુમાર રેલવે પટરી પાસે ઝુપડપટ્ટીમાં રહેતા રાજેશ ઉર્ફે મીન્ટોએ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ભરૂચ પોલીસે આ અંગે સુરત એસઓજીની ટીમની મદદ માંગી હતી. સુરત એસઓજીની ટીમ કામે લાગતા આ ગુનાનો આરોપી એરપોર્ટ પર પ્લેનમાં બેસીને ઓડીશા ભાગવાની ફીરાકમાં હોવાની બાતમી મળી હતી. એસઓજીની ટીમે ડુમસ પોલીસની મદદ લીધી હતી. બાદમાં પોલીસના માણસો એરપોર્ટ ઉપર પેસેન્જરનો સ્વાંગ રચી આરોપીની વોચમાં હતા. દરમ્યાન એરપોર્ટ ઉપર પ્લેનમાં બેસવા માટે આવતા આરોપી રાજેશ ઉર્ફે મીન્ટો પ્રાંત પ્રધાન (ઉ.વ.૨૧, રહે. અંબાજી મહોલ્લો રેલ્વે પટરી પાસે કતારગામ સુરત તથા મુળ ગંજામ ઓડીશા) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા પોતે ઓડીશા ખાતેથી ગાંજો સપ્લાય કરતા સપ્લાયરો પાસે ગાંજો મંગાવતો હતો. પરંતુ સુરત ખાતે ગાંજો ઉતારવો મશ્કેલ થતા ચારેય આરોપીઓ પાસે ઓડીશા ખાતેથી રેલવે મારફતે પ્રથમ અંકલેશ્વર ગયો અને ત્યાંથી તેઓ વાહન મારફતે સુરત ખાતે આવ્યા હતા. અને સુરત શહેર બહાર ડીલેવરી કરવાના હતા.

ભરૂચ પોલીસે રસ્તામાં ચારેયને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. જે વાતની જાણ થતા પોલીસ તેને શોધતી શોધતી સુરત આવશે. જેથી તેણે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો. બાદમાં સુરત પોલીસ પણ તેની શોધખોળ કરતી હોવાની જાણ થતા પોતે પ્રથમ રેલવે મારફતે ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ ત્યાં પકડાઈ જવાની બીકના કારણે તેણે પ્લેન મારફતે પ્રથમ ચેન્નઈ અને બાદમાં ત્યાંથી ભુવનેશ્વર ઓડીશા ખાતે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

Most Popular

To Top