સુરત: (Surat) એક બાજુ ચૂંટણી વખતે રાજકીય કાર્યક્રમોના તાયફાઓને મૂક પ્રેક્ષક બની રહેલી પોલીસ (Police) અને મનપાના (Corporation) તંત્રએ હવે કોરોના બેકાબુ બનતા શહેરના સામાન્ય લોકો, વેપારી, રોજે રોજનુ કમાઇને ખાતા કારીગર વર્ગ પર કાયદાનો કોરડો વિંઝવાનો શરૂ કર્યો છે. જેના કારણે પ્રજામાં રોષની (Resentment) લાગણી છે તેમજ તંત્ર સાથે ઘર્ષણના બનાવો પણ વધી રહ્યાં છે. તંત્રની આ બેધારી નીતી તેમજ પ્રજાજનોને ગાઇડલાઇનના નામે થતી કનડગત અને બીજી બાજુ માલેતુજારો સામે તંત્રના સુચક મૌન બાબતે પ્રજાની વેદનાનો પડઘો પડતા અહેવાલ છેલ્લા એક અઠવાડિયાથી ‘ગુજરાતમિત્ર’ પ્રકાશીત કરવાનું શરૂ કરતા આખરે સુરતના ધારાસભ્યોને પોતાની પ્રજા પ્રત્યેની જવાબદારીની યાદ આવી છે. સુરતની સામાન્ય પ્રજાનો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.
તેમજ મંગળવારે વિધાનસભામાં મુખ્યમંત્રી રૂપાણીને તેમજ ટેલીફોનના માધ્યમથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રજૂઆત કરી સુરતની પ્રજાને કરાતી ખોટી કનડગત બંધ કરાવવા માંગણી કરી હતી. તેમજ મુખ્યમંત્રીએ ધારાસભ્યોને તેમની રજૂઆત ધ્યાને લઇ યોગ્ય કરવા ખાતરી પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવાયું હતું કે, રાતે નવ વાગ્યાનો કર્ફ્યુ શરુ થવા પહેલા જ સાંજે 7-7:30 વાગ્યે જ દુકાનો બંધ કરાવવાની દાબદબાણવાળી કાર્યવાહી થઇ રહી છે તે બંધ થવી જોઇએ. કર્ફ્યુના સમયગાળા દરમ્યાન ઉધોગોને ચાલું રાખવા દેવાની અને એની સાથે સંલગ્ન લોકોને કનડગત ન કરવાની રજુઆત પણ કરવામાં આવી છે.
ઉપરાંત સુરતમાં માસ્ક સંદર્ભે ટૉળામાં ઊભા રહી ટ્રાફિક વ્યવસ્થાના ભોગે માસ્કની પેનલ્ટી વસૂલતી પોલીસ બાબતે પણ ફરિયાદ કરીને આ કનડગત બંધ કરાવવા માંગણી કરાઇ છે. સાથે સાથે સુરત ના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને એવી પણ ખાતરી આપવા માં આવી છે કોરોના ને રોકવા સુરત માં તમામ લોકો સરકાર ના પ્રયાસો સાથે જોડાશે અને સુરત ફરી રાબેતા મુજબ ચાલે તેવા પ્રયત્ન કરશે આ રજૂઆત બાબતે મુખ્યમંત્રીએ અને પ્રદેશ અધ્યક્ષએ સુરત મનપા કમિશ્નર અને શહેર પોલીસ કમિશનર સાથે ટૅલિફોનિક વાત કરી અને આ તમામ રજૂઆતો સંદર્ભે યોગ્ય વ્યવસ્થા જળવાઈ તેની સૂચના પણ આપી. લોકોની હેરાનગતિ ન થાય તેવી રીતે કામ કરવા સુચના આપી હોવાનું પણ રજુઆતમા જોડાયેલા ધારાસભ્યોએ જણાવ્યુ હતું.