SURAT

કારમાં દારૂની હોમડિલીવરી કરવા નીકળેલા બુટલેગરને સુરત પોલીસે આ રીતે પકડ્યો

સુરત (Surat ) : ગણેશ વિસર્જનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરત શહેર પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ખાસ કરીને ગણેશ વિસર્જનમાં ભક્તિની સાથે મસ્તી કરવા માંગતા લોકોને કાબુમાં રાખવા સુરત શહેર પોલીસ કમિશનરે દારૂના વેચાણ કરનારાઓ પકડી પાડવા પોલીસને સૂચના આપી છે, જેના પગલે ગઈ તા. 7મી સપ્ટેમ્બરની સાંજે સુરત શહેર પોલીસની પીસીબી શાખાએ લક્ઝુરીયસ મોંઘી કારમાં રમ, વોડકા, વાઈન અને વ્હીસ્કી સહિતનો ઈમ્પોર્ટેડ ઈંગ્લીશ દારૂ વેચવા નીકળેલા બુટલેગરને આબાદ પકડી લીધો હતો. પીસીબીએ બે કાર સહિત કુલ રૂપિયા 7,28,950નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર તરફથી આગામી ગણેશ વિસર્જનનો તહેવાર હોય જેથી શહેર વિસ્તારમાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઇ રહે તે હેતુસર સુરત શહેરમાં પ્રોહીબિશન જુગારની પ્રવૃત્તીઓ સદંતર નાબુદ કરવાની સુચના આપવામાં આવી છે, જે સંદર્ભમાં પોલીસ ઇન્સપેક્ટર, આર.એસ.સુવેરા, પી.સી.બી. શાખા, સુરત શહેરના સીધા માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના સ્ટાફ દ્વારા તા.7 સપ્ટેમ્બર ના રોજ બાતમીના આધારે સિટીલાઈટ અશોક પાન સેન્ટરની સામે વોચ ગોઠવવામાં આવી હતી.

દરમિયાન બાતમી મુજબ તેજસ મહેતા નામનો ઇસમ તેની સફેદ કલરની સ્કોડા ફાબીયા ફોર વ્હીલ ગાડી નં. GJ.05.CQ.7648 માં વિદેશી દારૂની ઇમ્પોર્ટેડ બાટલીઓનો જથ્થો લઈને અશોક પાન સેન્ટરની સામે, રોયલ હેરીટેજ એપાર્ટમેન્ટના ગેટ પાસે આવી પહોંચ્યો હતો. પીસીબીએ તેજસ ભરતભાઇ મહેતા, (ઉ.વ.32 રહે.603, શીતલ એપાર્ટમેન્ટ, છઠ્ઠા માળે, SBI બેંકની ગલીમાં, સીટીલાઇટ રોડ, ઉમરા, સુરત)ને પકડી તેની તથા તેની કારની તપાસ કરી હતી. કારમાંથી પીસીબીના સ્ટાફને વિદેશી દારૂની બાટલીઓ મળી આવી હતી. તેજસ મહેતા ભૂતકાળમાં પણ આ રીતે કારમાં દારૂની બોટલો સપ્લાય કરતો હોઈ તેની વધુ પૂછપરછ કરાઈ હતી.

પુછપરછ દરમિયાન તેજસ મહેતાએ રોયલ હેરીટેજ એપાર્ટમેન્ટ, બિલ્ડીંગની બાજુમાં આવેલા પાર્કીંગમાં ગ્રે કલરની રેનોલ્ટ ડસ્ટર ફોર વ્હીલ ગાડી દારૂ છૂપાવ્યો હોવાનું જણાવતા ત્યાં તપાસ કરાઈ હતી. બંને ઠેકાણેથી વિદેશી દારૂની વ્હીસ્કી, વોડકા, વાઇન, જીન અને રમની નાની મોટી કાચની તથા પ્લાસ્ટીકની બાટલીઓ કુલ નંગ. 491 રૂપિયા 193560 તથા મોબાઇલ ફોન નંગ.2 કિ.રૂ.60000/- તથા સ્કોડા ફાબીયા ફોર વ્હીલ ગાડી નં. GJ.05.CQ.7648 કિં.રૂ.150000/- તથા રેનોલ્ટ ડસ્ટર ફોર વ્હીલ ગાડી નં. MH.01.BG.2341 કિં.રૂ! 300000/- તથા અંગ ઝડતીના રોકડા રૂ! 25000/- મળી કુલ્લે કિ.રૂ.728650/-ની મત્તાના મુદ્દામાલની સાથે ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર આરોપી સાહિલ (રહે.સુરત) તથા ગણેશ (રહે.થાણે, મુંબઇ, મહારાષ્ટ્ર ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top