સુરત : (Surat) અડાજણ ખાતે રહેતા અને નાનપુરામાં ક્લિનીક ધરાવતા ડો.પ્રણવ વૈદ્યના ક્લિનીક પર દર્દી (Patient) અને તેના પુત્રએ વધારે સમય સુધી બેસાડી રાખવા બાબતે ગાળાગાળી કરી માર માર્યો હતો. આ બનાવ બાદ ડોક્ટરને (Doctor) મારવાની ધમકી (Threaten ) આપી ભાગી ગયા હતા. અઠવા પોલીસે પિતા-પુત્રની સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી.
- એપોઈમેન્ટના સમય કરતા અડધો કલાક લેટ આવતા ડોક્ટરે બીજા પેશન્ટને પહેલા તપાસ્યા હતા
- ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ ડોક્ટરને ‘તું દવાખાનામાંથી નીચે ઉતર તને જોઈ લઈશ, તારા હાથ પગ તોડી નાખીશ’ની ધમકી આપી
અડાજણ ખાતે રીવર પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા 36 વર્ષીય પ્રણવ નુતનકુમાર વૈધ્ય નાનપુરા એસએનએસ બિલ્ડીંગમાં હેપ્પી હાર્ટ (Happy Heart) નામનું ક્લિનીક ચલાવે છે. ગઈકાલે સવારે ક્લિનીકમાં રીસેપ્શન પર સુનિતાબેન હાજર હતી. ત્યારે દિલીપભાઈ નામના એક પેશન્ટ આવ્યા હતા. પરંતુ ડોક્ટર પ્રણવ હાજર નહીં હોવાથી પેશન્ટને સાંજે ચાર વાગે બોલાવ્યા હતા. સાંજે દર્દી અડધો કલાક લેટ આવ્યો હતો. જેથી ડોક્ટર બીજા પેશન્ટને તપાસતા હતા ત્યારે દિલીપભાઈએ રિસેપ્શન ઉપર સુનિતાબેન સાથે ઉગ્ર શબ્દોમાં ‘મારો વારો ક્યારે આવશે’ તેમ કહ્યું હતું. સુનિતાબેને ‘થોડીવાર બેસો તમારો વારો આવશે એટલે અંદર મોકલું’ તેમ કહેતા દિલીપભાઈએ ‘અમારો વારો હતો તો પણ ડોક્ટર બીજા પેશન્ટને કેમ તપાસે છે’ તેમ કહી બોલાચાલી કરી હતી.
જેથી ડોક્ટરે દિલીપભાઈ અને તેમના પુત્ર વિપુલને અંદર બોલાવ્યા હતા. ડોક્ટરે તેમને તમારી એપોઈમેન્ટ સાડા ચાર વાગે હતી અને તમે પાંચ વાગે આવ્યા છો. તો થોડીવાર બેસો તમને બોલાવી લઉ છું, તેમ કહેતા વિપુલે તેમને ગાળો આપી હતી. અને ‘મફતના પૈસા લઈ લો છો’ તેમ કહી ડોક્ટર પર હૂમલો કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. આજુબાજુની ઓફિસમાંથી લોકો ભેગા થતા વિપુલભાઈ અને તેના પિતા દિલીપભાઈ ભાગી ગયા હતા. જતા જતા દિલીપભાઈ ‘તું દવાખાનામાંથી નીચે ઉતર, તને જોઈ લઈશ, તારા હાથ પગ તોડી નાખીશ’ તેમ કહીને ધમકી આપી હતી. અઠવા પોલીસે ગુનો દાખલ કરી બંને આરોપીની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી છે.
આઈએમએ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ
ડૉ. પ્રણવ વૈધ પર દર્દી દ્વારા હુમલા અંગે આઈએમએનાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. આ ઘટના બાદ ડો.પ્રણવે આઈએમએના હોદ્દેદારોનો સંપર્ક કર્યો હતો. ડૉ. સુરેન્દ્ર પ્રજાપતિ, ડૉ. પારૂલ વડગામા, ડૉ. વિનોદ શાહ, ડૉ. વિનેશ શાહ સહિતના તબીબો પોલીસ સ્ટેશને જઈ આરોપી વિરૂદ્ધ તાત્કાલિક FIR કરાવી રાત્રે જ આરોપી પિતા – પુત્રને જેલ ભેગા કરી દીધા હતા. ત્યારબાદ પોલીસ કમિશ્નર અજય તોમરને મેડીકેર એકટ– 2012 અંતર્ગત ગુનો નોંધવાની રજૂઆત કરતા પોલીસે આ અંગેની તજવીજ કરી હતી. હોદ્દેદારોએ આવેદનપત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી.