SURAT

કુમાર કાનાણીને આ લાયકાતના લીધે વરાછાની બેઠક પરથી ટિકીટ મળી

સુરત: હાલારી અને ગોલવાડીયાના વિવાદને કારણે આખરે સુરતમાં પાટીદારોના વર્ચસ્વવાળી મનાતી પાંચ બેઠકો પર ભાજપે વધારે જોખમ લેવાનું મુનાસીબ માન્યું નથી. ભાજપે ગુરૂવારે જ્યારે ઉમેદવારો જાહેર કર્યા ત્યારે આ પાંચ બેઠક પૈકી કતારગામ પર વિનુ મોરડીયા, કરંજ પર પ્રવિણ ઘોઘારી, સુરત ઉત્તર પર કાંતિ બલર અને વરાછા રોડ બેઠક પર કુમાર કાનાણીને રિપિટ કર્યા. જ્યારે કામરેજ બેઠક પર સિટિંગ ધારાસભ્ય વીડી ઝાલાવડીયાની ટિકીટ કાપીને પ્રફુલ્લ પાનસુરીયાને ટિકીટ આપી. આ પાંચેય બેઠકો પર કોને ટિકિટ મળે છે તેની સૌરાષ્ટ્રવાસીઓની ભારે નજર હતી. ત્યાં સુધી કે વરાછા રોડ બેઠક પરથી સિટિંગ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણી કપાઈ જશે તેવું મનાતું હતું પરંતુ ભાવનગર અને અમરેલી જિલ્લાને સાચવવામાં ભાજપે કુમાર કાનાણીને પણ સાચવવા પડ્યા છે. સુરતમાં જે રીતે ટિકીટની ફાળવણી થાય તેની સીધી અસર સૌરાષ્ટ્રમાં અનુભવાતી હોવાથી ભાજપે આ પાંચેય બેઠક પર ફૂંકી ફૂંકીને આગળ વધવાનું મુનાસીબ માન્યું.

  • વિનુ મોરડીયાને મનસુખ માંડવીયા સહાય કરી ગયા, જ્યારે વીડી ઝાલાવડીયાને ભૂતકાળના વિવાદો નડી ગયા
  • ખરી માથાકૂટ વરાછા રોડ બેઠક પર હતી પરંતુ હાલારી હોવાની લાયકાત કુમાર કાનાણીને રિપિટ કરાવી ગઈ
  • કાંતિ બલર અને પ્રવિણ ઘોઘારીને તેમના મજબૂત સંબંધો અને સંપર્કો કામે લાગતાં ફરી ટિકિટ મળી ગઈ

સુરતની આ પાંચ બેઠકો પૈકી કતારગામ પર વર્તમાન ધારાસભ્ય તરીકે મંત્રી વિનુ મોરડીયા હતા. કતારગામ બેઠક એવી છે કે જ્યાં ખરેખર સૌરાષ્ટ્ર વસે છે. પાટીદારોની સાથે સૌરાષ્ટ્રની અન્ય જ્ઞાતિઓનો રાફડો કતારગામ બેઠક પર છે. આ કારણે જ કોંગ્રેસે પ્રજાપતિ કલ્પેશ વરીયાને ટિકીટ આપી છે. વિનુ મોરડીયાની ટિકીટ કાપીને અન્યને અપાશે તેવું છેલ્લી ઘડી સુધી મનાતું હતું. જોકે, વિનુ મોરડીયાની વહારે ભાવનગર જિલ્લાની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આવ્યા અને તેમની ટિકીટ ફાઈનલ થઈ ગઈ. સુરત ઉત્તર બેઠક પર પહેલેથી જ કાંતિ બલર નિશ્ચિત મનાતા હતા. કારણે સુરત ઉત્તર બેઠક પર જો કાંતિ બલરને કાપવામાં આવે તો કોને આપવી તેનો મોટો વિવાદ થાય તેમ હતો. કાંતિ બલરના સંબંધ અને સંપર્ક એવા મજબુત છે કે ભાજપે સામે ચાલીને તેમને રિપિટ કરી દીધા છે.

આજ રીતે કરંજ બેઠક પર પ્રવિણ ઘોઘારી રિપીટ થશે તેવી બધાને ખાતરી હતી. પ્રવિણ ઘોઘારીના સંબંધો અને સંપર્કો મજબુત હોવાની સાથે તેમની સામે કોઈ ખમતીધર દાવેદાર નહી હોવાથી ભાજપે તેમને રિપિટ કરી દીધા છે. ખરી ઉત્તેજના કામરેજ અને વરાછા રોડ બેઠક પર હતી. અન્ય ત્રણ બેઠક ભાજપે ગોલવાડીયાને આપી દીધી હતી. જેને કારણે આ બંને બેઠક ભાજપે ફરજિયાતપણે હાલારીને આપવી પડે તેમ હતું. ભાજપે કામરેજ બેઠક પરથી ભૂતકાળમાં ભ્રષ્ટાચાર સંબંધી અનેક વિવાદોમાં આવનાર સિટિંગ વીડી ઝાલાવડીયાને કાપીને પ્રફુલ પાનસુરીયાને ટિકિટ આપી દીધી પણ ખરી માથાકૂટ વરાછા રોડ બેઠક પર હતી. આ બેઠક પર ભાજપ કુમાર કાનાણીને પડતા મુકવા માંગતું હતું.પરંતુ તેની સામે દાવેદાર તરીકે દિનેશ નાવડીયા અને પ્રતાપ જીરાવાળા હતા. આમાં મજબૂત દાવેદાર દિનેશ નાવડીયા હતા. દિનેશ નાવડીયા માટે ચારે દિશામાંથી દબાણ આવ્યું પરંતુ ગોલવાડીયા હોવાનું કારણ દિનેશ નાવડીયાને નડી ગયું અને તેઓ કપાઈ ગયા. માત્ર હાલારી હોવાની લાયકાતને કારણે કુમાર કાનાણીને ફરી ટિકીટ મળી ગઈ.

Most Popular

To Top