સુરત: (Surat) દિલ્હીમાં રહેતા અને મુળ પાકિસ્તાનના (Pakistan) વતની વેપારીએ રૂા. 90 લાખની ઠગાઇ કરી હતી. કોર્ટમાં પાસપોર્ટ (Passport) જમા થઇ ગયા બાદ આરોપીએ લોંગ ટર્મ વિઝા માટે પાસપોર્ટને રિન્યુ કરવાનું કારણ રજૂ કરીને કોર્ટમાંથી (Court) પાસપોર્ટ મેળવી લીધો હતોઅનેત્યારબાદ મુળ વતન પાકિસ્તાન ભાગી ગયો હતો. જે અંગે ભોગ બનેલ મુળ ફરિયાદીએ આરોપીના જામીન રદ્દ કરવા માટે સુરતની કોર્ટમાં અરજી કરી છે.
આ કેસની વિગત મુજબ, ન્યુ સિટીલાઇટ રોડ ઉપર આર્શિવાદ રેસીડેન્સીમાં રહેતા હરજીતસિંઘ સંતોષસિંઘ છાબડા લેડીઝ શુટ તેમજ દુપટ્ટાનો વેપાર કરે છે. આ દરમિયાન તેની મુલાકાત નવી દિલ્હીના તિલકનગરમાં ગુરૂનાનકપુરમાં રહેતા ગજીન્દર જસબીર સીંગની સાથે થઇ હતી. ગજીન્દર અને તેની સાથે સુરજીતસીંગ, તેનો ભત્રીજો ગજીંદરસીંગ ગુજરાલનાએ દલાલ સવિંદર રામસીંગ ગુજરાત મારફતે વેપારીઓની પાસેથી લેડીઝ શુટ તથા દુપટ્ટાનો માલ મંગાવીને રૂા. 90 લાખની ઠગાઇ કરી હતી. આ બાબતે પાંડેસરા પોલીસમાં ફરિયાદ દાખલ થતા પોલીસે ગજીન્દર સીંગની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. બાદમાં ગજીન્દરએ કરેલી જામીન અરજી મંજૂર થઇ હતી.
કોર્ટના હુકમ પ્રમાણે ગજીન્દરએ કોર્ટમાં પાસપોર્ટ પણ જમા કરાવ્યો હતો. બાદમાં ગજીન્દરએ પાસપોર્ટને લોંગ ટર્મ વિઝા માટે અરજી કરવા માટે પાસપોર્ટ પરત મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજી મંજૂર કરીને આરોપી ગજીન્દરને 50 હજારની સિક્યોરીટી ડિપોઝીટ જમા કરાવવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત ત્રણ મહિનામાં પાસપોર્ટ લોંગ ટર્મ વિઝા માટે રિન્યુ કરીને પરત સેશન્સ કોર્ટમાં જમા કરાવવાનો આદેશ પણ કર્યો હતો. કોર્ટમાંથી પાસપોર્ટ મેળવીને આરોપી ગજીન્દર પાસપોર્ટ ભાગી ગયો હોવાની માહિતી મળી હતી. જેના આધારે ફરિયાદી હરજીતસીંઘએ વકીલ વિરલ મહેતા મારફતે કોર્ટમાં અરજી કરીને ગજીન્દરના જામીન રદ્દ કરવાની માંગ કરી હતી.
પોલીસની જાણકારી વગર જ દિલ્હીનું રહેઠાણનું સ્થળ પણ બદલી દેવાયું
કોર્ટમાં જે અરજી કરી છે તેમાં જણાવ્યા પ્રમાણે ગજીન્દરએ દિલ્હીનું જે સરનામુ છે તેને બદલી નાંખ્યું હતું. આ ઉપરાંત તે કોર્ટના હુકમ પ્રમાણે પોલીસ મથકે હાજર પણ રહેતો ન હતો. પોલીસ જ્યારે તેના ઘરે શોધકોળ કરવા માટે ગઇ હતી ત્યારે ગજીન્દર મળી આવ્યો ન હતો. વારંવાર શોધખોળ છતાં ગજીન્દરનો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હોવાનું પણ અરજીમાં જણાવ્યું છે. આ ઉપરાંત ગજીન્દરએ ઇમિગ્રેશન વિભાગમાં પાસપોર્ટ રિન્યુ માટેની પણ કોઇ અરજી આપી ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.