સુરત: સુરત (Surat) ઇચ્છાપોર ગામના તળાવમાં પંચમહાલના (Panchmahal) યુવાને પીતરાઈ ભાઈની નજર સામે કૂદી આપઘાત કરી લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. ચેતન બારીયા 5 દિવસ પહેલા જ રોજગારીની શોધમાં વતનથી સુરત આવ્યો હતો. તાવમાં સપડાતા પિતરાઈ ભાઈ બાઇક પર બેસાડી બસ સ્ટેશન છોડવા જતો હતો. ઇચ્છાપોર નજીક બાઇક ઉભી રાખતા ચેતન બાઇક પરથી ઉતરી દોડીને તળાવમાં કૂદી ગયો હોવાનું પિતરાઈ ભાઈ એ જણાવ્યું હતું.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના લગભગ સોમવારે બપોરે 1:10 વાગ્યા ની હતી. કોઈ યુવક ઇચ્છાપોર ગામના તળાવ માં કૂદી પડ્યો હોવાનો કોલ મળતા અડાજણ ફાયરની ટિમ સ્થળ પર દોડી ગઈ હતી. એટલું જ નહીં પણ યુવકને તળાવના પેટાળમાંથી શોધી કાઢી બહાર લઈ આવી હતી. જોકે યુવકને બચાવી શકી ન હતી. તપાસ કરતા યુવકનું નામ ચેતન બુધાભાઈ બારીયા હોવાનું અને 27 વર્ષનો યુવક હોવાનું સામે આવ્યું હતું.
સુરપાલ છનાભાઈ બારીયા (મૃતકનો પિતરાઈ ભાઈ) એ જણાવ્યું હતું કે ચેતન 5 દિવસ પહેલા જ વતન પંચમહાલથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. એટલું જ નહીં પણ ઇચ્છાપોર જેમ્સ એન્ડ જવેલરી ના એક કંપનીમાં સળિયા સેન્ટિંગનું કામ કરતો હતો. ચોથા દિવસે ચેતનને તાવ આવી જતા એની નજીકના દવાખાને સારવાર કરાવવામાં આવી હતી. અડધો દિવસ કામ કર્યા બાદ એને ગામ ચાલી જવાની વાત કરતા એને બાઇક પર બેસાડી ઇચ્છાપોર બસ સ્ટેન્ડ આવ્યા હતા. જ્યાં બાઇક પર થી ઉતરતા જ દોડીને તે તળાવમાં કૂદી પડ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘટનાને નજરે જોયા બાદ ચેતનને બચાવવા બુમાબુમ કરી દીધી હતી. લોકો ભેગા થઈ ગયા હતાં. ફાયર ને જાણ કરી દેવામાં આવી હતી. ચેતન તળાવના પાણીમાં બચવાનો પ્રયાસ પણ કરતો હતો. તેમ છતાં તે ગણતરીની સેકન્ડમાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જો કે ફાયરના જવાન આવી જતા તાત્કાલિક પાણીમાં ઉતરી તળાવના પેટાળમાંથી ચેતનને બહાર કાઢી લાવ્યા હતા. પરંતુ એને બચાવી શકાયો ન હતો.
વધુમાં જણાવ્યું હતું કે ચેતનનું આખું પરિવાર વતનમાં રહે છે. માતા-પિતા અને ભાઈ-બહેનને ઘટનની જાણ થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તેમજ ચેતનનો પરિવાર સુરત આવવા નીકળી ગયો છે. ચેતનના લગ્ન પણ થઇ ગયા હતા. જોકે કોઈ કારણ સર પત્નીનું અવસાન થયું હતું. બસ ત્યારથી માનસિક તણાવ વચ્ચે એ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો.