સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઝીરો દબાણની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. આ અભિયાન હેઠળ સુરતની (Surat) ટીમ દ્વારા રસ્તા પરથી ખાણી પીણીની લારીઓને દૂર કરવામાં આવી છે જેના લીધે હજારોની સંખ્યામાં ફૂડ સ્ટ્રીટ વેન્ડર્સ (Food Street Vendors) બેરોજગાર બન્યા છે. હવે લારી વાળાઓએ સુરત મનપા સામે મોરચો માંડ્યો છે.
આજે સુરતના પાલ આરટીઓ (Pal RTO) ખાતે ના ખાણી પીણીની લારીઓ વાળા દ્વારા અનોખો વિરોધ પ્રદર્શિત (Protest) કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સ્ટ્રીટ વેન્ડરો એકત્ર થઈ જાહેર રોડ પર ભીખ માંગી પાલિકાની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો.
આજે પાલ આરટીઓ ફૂડ વેન્ડર અને છૂટક વેપારી દ્વારા પાલ આરટીઓ રોડ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને અનોખો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં જુદા જુદા વેન્ડરો એકત્ર થઈને જાહેર રોડ ઉપર એક સાથે ભીખ માંગી પાલિકાની આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો.
રસ્તા પર નાસ્તાની લારી ચલાવનાર ટ્વિંકલ રાઠોડ એ જણાવ્યું હતું કે પાલિકાએ અમારી લારી બંધ કરાવી દેતા અમારી સ્થિતિ કફોડી બની ચુકી છે. એક મહિનાથી કમાણી બંધ થઈ ગઈ છે. અમારા પરિવારનો નિર્વાહ લારીની આવક પર જ ચાલે છે. રસ્તા પર અમારે ભીખ માંગવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમારી માંગ છે કે અમને રસ્તા પર વેપાર માટે લારી ના મુકવા દો તો વાંધો નહીં પરંતુ કાયદાકીય જે પણ થઈ શકતું હોય તે રીતે અમને જગ્યા ફાળવીને ધંધો કરવા માટે છૂટ આપવામાં આવે.
વેપાર કરતાં અસલમ મેમણે જણાવ્યું હતું કે દબાણ ખાતા દ્વારા હેરાનગતિ શરૂ કરાતા થોડા સમય પહેલા મહાનગરપાલિકાના કમિશનરને વેપાર કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો નિયમ પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક જગ્યાની ફાળવણી ના થઈ શકે ત્યાં સુધી તેઓને કોઈ પણ જગ્યા પરથી હટાવી શકાય નહીં તેમ છતાં રસ્તા નો ઝીરો દબાણ નું બહાનું આપીને અમને વેપાર કરવા દેવામાં આવતો નથી અને હેરાનગતિ કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા લારી ગલ્લા અને નાના વેન્ડરો માટે સહાય લોન પણ આપવામાં આવી હતી. ત્યારે તમામ મોટાભાગના સ્ટ્રીટ વન્ડરવય 25000 થી લઈને 50,000 સુધીની લોન લીધી છે. અને હવે જેના માટે લોન લીધી હતી તે વેપાર જ કરવાના મળતા બેંક રૂપિયાની ઉઘરાણી કરી રહ્યું છે.