સુરતના (Surat) પાસના નેતા જીજ્ઞેશ મેવાસાએ સુરત કોંગ્રેસમાં મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. ત્યારે હવે કોંગ્રેસ પક્ષમાં શહેર મહામંત્રી ચંદુભાઈ સોજીત્રાએ પણ રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં પાસના સમર્થનમાં ચંદુભાઈ સોજીત્રાના પત્નીએ વોર્ડ નં-3માંથી ઉમેદવારી ફોર્મ પરત ખેચી લીધું છે. સુરતના વોર્ડ નંબર 3ના ઉમેદવાર કાનજી ભરવાડે પણ ફોર્મ પરત ખેંચી લીધુ હોવાની માહિતી મળી રહી છે. જ્યોતિ સોજીત્રા અને તેમના પતિએ ખૂબજ ભાવુક થતાં જણાવ્યું હતું કે પાટીદારો સાથે કોંગ્રેસે દગો કર્યો છે. જ્યારે જીજ્ઞેશ મેવાસાએ (Jignesh Mevasa) આ વિશે પોતાના ફેસબુક પર એક લાંબી પોસ્ટ કરી છે અને લખ્યુ છે કે કોંગ્રેસ પાટીદારોનું ઋણ ભૂલી ગઇ છે. તેમણે કોંગ્રેસ (Congress) પાર્ટીના નેતાઓ પર પાછલા બારણે ભાજપના નેતાઓ સાથે મળી જવાના આરોપો પણ લગાવ્યા છે.
પાસ દ્વારા પાટીદાર (Patidar) સમાજના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોને અપીલ કરી હતી કે સમાજના સમર્થનમાં ઉમેદવારીપત્ર પાછું ખેંચવામાં આવે, જેને ધ્યાનમાં રાખીને સમાજના સમર્થનમાં જ્યોતિબેન સોજીત્રાના પતિ ચંદુભાઈ સોજીત્રા કે જે કોંગ્રેસ પક્ષમાં શહેર મહામંત્રી છે તેમણે તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે એ કહેવું ખોટું નથી કે સુરતમાં પાસ અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. ઉપરાઉપરી રાજીનામા આપવામાં આવી રહ્યાં છે. પાસ અને કોંગ્રેસ વચ્ચેની લડાઈને કોંગ્રેસને જ ફટકો પડી રહ્યો છે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
આ પહેલા સવારે પાટીદાર અનામત આંદોલન સમિતિના સમર્થનમાં સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું. કહેવાય છે કે આજે કોંગ્રેસમાથી 500 કાર્યકર્તા રાજીનામુ આપીને ભાજપમાં જોડાશે. જાણવા મળ્યા મુજબ સુરત કોંગ્રેસ એસસી સેલના ઉપપ્રમુખ કિરીટ રાણા પણ રાજીનામુ આપીને ભગવો ધારણ કરશે. તેમને બે ટર્મથી કોંગ્રેસે ટિકિટ ના આપતા નારાજગી વ્યક્ત કરી હતી અને ભાજપનો ખેસ પહેર્યો છે.
જણાવી દઈએ કે, વિજય પાનસુરિયાને કોંગ્રેસ ટિકિટ ન આપતા પાસમાં રોષ જોવા મળ્યો હતો. વિજય પાનસુરિયાની ટિકિટ કપાતા પાસના અન્ય ઉમેદવારોએ પણ અગાઉ ફોર્મ ન ભરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે જે લોકોએ ફોર્મ ભર્યા તે પણ પાછા ખેંચી રહ્યા છે. જણાવી દઇએ કે આજે એટલે કે 9 ફેબ્રુઆરીએ મનપાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. ચૂંટણીને લઇને પાસના નેતાઓમાં રોષ છે. ત્યારે કાલે ચિત્ર સ્પષ્ટ થશે કે પાસ કોની સાથે છે અને કેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.
જે લોકોએ ફોર્મ પાછા ખેંચ્યા છે તેમનું ઋણ એ ક્યારેય નહીં ભુલીએ– અલ્પેશ કથીરિયા
કોંગ્રેસ પાર્ટીએ જે કૃત્ય કર્યું છે તે બદલ તેમને માફ ન કરી શકાય. જે કોઈ પણ પાર્ટીથી નારાજ છે તેઓ ધીમે ધીમે સામે આવશે. જે લોકોએ ફોર્મ પાછા ખેંચ્યા છે તેમને હું અભિનંદન આપુ છું. જેઓએ પાર્ટી કરતા પણ સમાજને વધુ મહત્વ આપ્યું છે તે લોકોનું ઋણ હું ક્યારેય નહીં ભુલું. જે લોકોએ પોતાનો ભોગ આપ્યો છે તેમને હંમેશને માટે અમે યાદ રાખીશું. પાસ નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે જાહેર કોલ આપેલો છે, આ કોલને કેટલા લોકો સ્વીકારે છે તે તેમની વ્યક્તિગત વિચારસરણી પર આઘારિત છે. જેમ જેમ સમય જતો જશે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થતું જશે.