સુરત: (Surat) પિતા વિહાણી દિકરીઓના ભવ્ય લગ્ન સમારોહની (Marriage Function) શરૂઆત કરનાર પીપી સવાણી ગ્રુપ (P P Savani Group) દ્વારા આ વર્ષે પણ પિતા વિહોણી દિકરીઓની સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (C M Bhupendra Patel) પણ હાજરી આપી હતી. દિકરીઓના લગ્ન પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે યોજવામાં આવ્યા હતા. શનિવારે 150 અને રવિવારે 150 એમ બે તબક્કામાં આ કાર્યક્રમ યોજાશે. જેમાં શનિવારે 150 દિકરીઓના ધામધુમથી લગ્ન યોજાયા હતા.
લગ્ન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. સીઆર પાટીલ સહીત નેતાઓએ હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ તેમના હસ્તે ત્રણેય ધર્મની દીકરીઓનું કન્યાદાન કર્યું હતું.
- પી.પી.સવાણી ગ્રુપ દ્વારા પ્રથમ તબક્કામાં 150 દિકરીઓના ભવ્ય લગ્નોત્સવ યોજાયા
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા હિન્દૂ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મની ત્રણેય દીકરીઓના કન્યાદાન કરાયા
- મુખ્યમંત્રી એરપોર્ટ પર અને ત્યારબાદ લગ્નોત્સવમાં માસ્ક સાથે દેખાયા
પી. પી. સવાણી પરિવાર દ્વારા અત્યાર સુધી 4500 થી વધુ દિકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. આજે પણ પીપી સવાણીનો ભવ્ય લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, દર્શના જરદોશ, જીતુ વાઘાણી, વીનુ મોરડીયા, મુકેશ પટેલ. પ્રફુલ પાનસેરિયા સહિતના નેતાઓ લગ્નોત્સવમાં જોડાયા હતા. સીએમ ભુપેન્દ્ર પટેલે હિન્દૂ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મની દીકરીઓના કન્યાદાન કર્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ સીટ અપાવવા બદલ લોકોનો આભાર પણ માન્યો હતો.
મુખ્યમંત્રીની હાજરીમાં મહેશ સવાણીએ નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓને દત્તક લીધા
મુખ્યમંત્રીની હાજરીમાં મહેશ સવાણીએ નીટની તૈયારી કરતા 1000 ગરીબ વિદ્યાર્થીઓને દત્તક લીધા હતા અને તેના ભણતરની જવાબદારી તેઓએ ઉપાડી હતી. ભવ્ય લગ્નોત્સવમાં એક લાખથી વધુ લોકો જોડાયા હતા. મુખ્યમંત્રીની હાજરીમાં લગ્નોત્સવમાં હાજર એક લાખ લોકોએ અંગદાન કરવા માટેના શપથ લીધા હતા. જેથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેવા માટે મહેશ સવાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી એરપોર્ટ પર માસ્ક સાથે દેખાયા
ફરીવાર કોરોનાએ માથુ ઉંચકતા હવે ફરીવાર કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરાઈ છે. ત્યારે પી.પી.સવાણી ગ્રુપના સમુહ લગ્નસમારોહમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી એરપોર્ટ પર માસ્કમાં જોવા મળ્યા હતા. તેમજ ઘણા ધારાસભ્યો પણ માસ્કમાં દેખાયા હતા.