સુરત: (Surat) શહેરમાં કોરોનાના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શન, હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે. જો કે, આવું થવા પાછળનું મુખ્ય કારણ શહેરમાં કોરોનાનું વધેલું સંક્રમણ નહીં, પરંતુ સુરત બહારથી સારવાર માટે આવતા દર્દીઓ હોવાનું જણાયું છે. કેમ કે, એક અંદાજ મુજબ શહેરમાં સારવાર લઇ રહેલા કુલ દર્દીઓમાં 50 ટકાથી વધુ દર્દી સુરત બહારના એટલે કે વાપી-વલસાડ, સૌરાષ્ટ્ર (Saurashtra), રાજસ્થાન (Rajasthan) અને મહારાષ્ટ્રના છે. ત્યારે હવે શહેરમાં બહારથી આવતા દર્દીઓ (Outside Patients) પર નજર રાખવા ટોલનાકાં પર વોચ ગોઠવવા આયોજનક કરાયું છે. આ ઉપરાંત હાલમાં શહેરમાં કોમ્યુનિટી કોવિડ સેન્ટર તેમજ શહેરની હોસ્પિટલોમાં બહારના કેટલા દર્દીઓ ક્યાં ક્યાં દાખલ છે તેની વિગતો રજૂ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામં આવી છે. આ વિગતમાં (Detail) કઇ જગ્યાએ કયાં શહેરના, સૌરાષ્ટ્ર, ડિસ્ટ્રિક્ટવાઈઝ ક્યાં-ક્યાં શહેરના કેટલા પેશન્ટ એડમિટ છે, તેની માહિતીનો પણ સમાવેશ કરાશે.
ડાયમંડ-ટેક્સટાઇલ ઉદ્યોગ, સ્કૂલ-કોલેજ જેવા સુપર સ્પ્રેડરોમાં વેક્સિનેશન માટે એક્શન પ્લાન બનશે
શહેરમાં કોરોનાના સંક્રમણને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત કાપડ અને ડાયમંડ ઉદ્યોગ થઇ રહ્યો છે. ત્યારે હવે 1લી તારીખથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સિન મૂકવા માટે છૂટ મળી ગઇ હોવાથી મનપા દ્વારા શહેરમાં સૌથી વધુ જે ઉદ્યોગો કોરોનાથી અસરગ્રસ્ત થઇ રહ્યા છે તે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઝડપથી કામધંધા પર ચડી શકે એ માટે તેમને વેક્સિન આપવા માટે એક્શન પ્લાન બનાવશે. તેમજ તેમાં 18 વર્ષથી ઉપરના હોય તેવા તમામ લોકોમાં પ્રાયોરિટી નક્કી કરાશે.
નવી સિવિલમાં ઓપીડી શરૂ કરાઈ
સુરત: સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઓક્સિજનની ભારે અછત જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલમાં રોજિંદા સરેરાશ વપરાશ ૫૫થી ૬૦ મે.ટન સામે ૪૬ મે.ટન પૂરો પાડવામાં આવી રહ્યો છે. જ્યારે મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજિંદા ૩૫ મે.ટન સામે ૨૫ મે.ટન ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. ઓક્સિજન પૂરવઠો ઓછો મળતાં વેન્ટિલેટર, બાયપેપ અને ઓક્સિજનની જરૂરિયાતમંદ ગંભીર દર્દીઓને સારવાર માટે દાખલ કરવા અશક્ય હોવાના કારણે હોસ્પિટલના દરવાજા બંધ કરી દેવાયા હતા. જેમાં શુક્રવારે સવારથી બંને હોસ્પિટલમાં કોરોના સારવાર માટે આવેલા નવા દર્દીઓને દાખલ કરાયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે ૬૮ દર્દીને સારવાર આપીને ૩૧ ગંભીર દર્દીને દાખલ કર્યા છે.