સુરતઃ (Surat) ડુમસ ખાતે રહેતા યુવકે ઓનલાઈન (Online) નર્સરી લાઈવ એપ્લીકેશન (Live application) પર પ્લાન્ટ અને સ્ટોન મંગાવ્યા હતાં. જોકે સ્ટોનની ડિલિવરી નહીં થતાં ડિલિવરી બોયે ૭ રૂપિયાનું પેમેન્ટ (Payment) ચુકવવાનું કહીને એક મેસેજ દ્રારા લીન્ક (Link) મોકલી હતી. જેની ઉપર ક્લીક (Click) કર્યા બાદ યુવકના ખાતામાંથી ૨૧ હજાર ઉપાડી લેવાયાં હતાં.
ડુમસ સાયલન્ટ ઝોનમાં અવધ કોપરસ્ટોનમાં રહેતા ૩૩ વર્ષીય ઉજ્જવલ ઉદયશંકર આલમાલ વેસુ ખાતે આવેલી એયુ સ્મોલ ફાયનાન્સ બેન્કમાં નોકરી કરે છે. ગત ૧૪ ઓક્ટોમ્બરે બપોરે ઘરેથી નર્સરી લાઈવ નામની એપ્લીકેશન પરથી બેસ્ટ ૬ એયર પ્યોરીફાઈંગ ઇન ડોર પ્લાનેટ પેક નામની પ્રોડક્ટનો ઓર્ડર કર્યો હતો. ૮૯૯ રૂપિયાની આ પ્રોડક્ટની ડિલીવરી કુરીયર પાર્ટનર દ્વારા ૨૩ તારીખે થઈ હતી. ડીલીવરી કરવા માટે તેમના ફોનમાં ત્રણ વખત OTP આવ્યો હતો. આ પ્લાન્ટની સાથે પ્લાન્ટના કુંડામાં રાખવાના પથ્થરો પણ મંગાવ્યા હતા જે કુરીયરમાં મળ્યા નહોતા. જેથી તેમને એપ્લીકેશનમાં તેના ઓફિસીયલ ઇમેઇલ એડ્રેસ પર મેઇલ કર્યો હતો. બીજા દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.
પોતે ડિલીવરી કુરીયર સર્વીસમાંથી વિશાલ વાત કરતો હોવાનું જણાવ્યું હતું. અને એક પ્રોડક્ટ ““પેબ” જે મળ્યું નથી તે પાર્સલ તેમની પાસે હોવાનું કહ્યું હતું. અને જો આ પાર્સલ તરત જોઇતુ હોય તો ૭ રૂપિયાની અમાઉન્ટ પે કરવી પડશે. કેમ કે એક વખત ડીલીવરી કરી દેવાયુ છે. જો ૭ રૂપિયાનું પેમેન્ટ કરશો તો અટકેલું પ્રોડક્ટ આવતીકાલે જ મળી જશે તેમ કહ્યું હતું. અને જો પેમેન્ટ નહી કરો તો આ પ્રોડક્ટ પરત રીટર્ન મોકલી આપશે. અને કંપની એક મહીના બાદ ડીલીવર કરશે. ૭ રૂપિયાનું પેમેન્ટ કરવા માટે તેમના મોબાઈલમાં એક મેસેજ મોકલ્યો હતો.
જેવી લીન્ક ઓપન કરીને UPI મારફત ૭ રૂપિયાનુ પેમેન્ટ કરી છેલ્લે થેન્ક ની લીન્ક ડીલીવરી બોય કાર્તીકના મોબાઇલ પર મોકલી હતી. બીજા દિવસે પ્રોડક્ટ નહી આવતાં ફોન કરીને પુછતા પ્રોડક્ટ મળી જશે તેમ કહ્યું હતું. બીજા દિવસે નુતનવર્ષ હોવાથી ડીલીવરી બોયને ફોન કરતા ફોન સ્વીચ ઓફ હતો. બીજા દિવસે તેમના ICICI બેંક તરફથી 17,546 રૂપિયા કપાયા હોવાનો મેસેજ આવતા તે ચોંકી ગયા હતા. બેંકમાં ચેક કરતા તેમના ખાતામાંથી કુલ 21545 રૂપિયા કપાયા હતા. જેથી ડુમસ પોલીસ સ્ટેશનમા આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.