સુરત: સુરતમાં (Surat) એક ખૂબ જ વિચિત્ર અને આઘાતજનક ઘટના બની છે. અહીં એક માસના બાળકનું (One Month Baby) સ્તનપાન (Breastfeeding’s ) બાદ મોત થયું છે. રાત્રિના સમયે માતાએ બાળકને દૂધ પીવડાવી સૂવડાવ્યું તે બાળક સવારે ઉઠ્યું જ નહોતું.
આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારની છે. મૂળ ઉત્તરપ્રદેશના મુકેશ મૌર્યા પરિવાર સાથે અહીં રહે છે. તેમના પરિવારમાં પત્ની, એક દીકરી અને એક મહિનાનો એક દીકરો છે. મુકેશ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એક મહિના પહેલાં તેમની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો, જેનું નામ દિવ્યાંશ રાખવામાં આવ્યું હતું.
દરમિયાન ગઈ કાલે શુક્રવારની રાત્રિએ માતાએ દિવ્યાંશને સ્તનપાન કરાવી સૂવડાવ્યો હતો. ત્યાર બાદ બાળકને સવારે 3 વાગ્યે પણ સ્તનપાન કરાવ્યું હતું. ત્યાર બાદ બાળક ઊંઘી ગયો હતો. સવારે 6 વાગ્યે માતાએ દૂધ પીવડાવવા તેને ઉઠાડવા કોશિશ કરી ત્યારે તે ઉઠ્યો નહોતો. પિતાએ પણ તેને જગાડવા પ્રયાસ કર્યો પરંતુ તેના શરીરમાં કોઈ હલનચલન દેખાતું નહોતું. તેથી પરિવારજનો બાળકને લઈ હોસ્પિટલ દોડી ગયા હતા.
આ મામલે દિવ્યાંશના પિતા મુકેશ મૌર્યએ કહ્યું કે, દિવ્યાંશનું શરીર ઠંડું પડી જતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. ફરજ પરના ડોક્ટરોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. અચાનક એક માસના બાળકનું મોત થતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. પુત્રનો મૃતદેહ લઈ અંતિમવિધિની તૈયારી કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ઉધનાના 25 વર્ષીય યુવકનું અચાનક મોત થયું
સુરત: ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર હાલ ઉધનામાં આવેલ ભીમનગર આવાસમાં રહેતો સંજય અશોકભાઈ શિરૂડકર( 25 વર્ષ) મૂળ મહારાષ્ટ્રનો વતની છે. સંજય અશોકભાઈ શિરુડકર ટેમ્પો ચલાવીને પરિવારનું ભરણ-પોષણ કરતો હતો. સંજય શિરૂડકર બુધવારે મોડી સાંજે બે મિત્રો સાથે ડિડોલી પોલીસ મથકની સામે આવેલા ઢોસાની દુકાનમાં ઢોસા ખાવા માટે આવ્યા હતા.
ત્રણેય મિત્રો ઢોસા ખાયા બાદ સંજયભાઈ ત્યાં જ ઊભા થઈને ચાલવા લાગ્યા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. તેમના મિત્રો તાત્કાલિક સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. સંજય શિરૂડકરને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે સંજય શિરૂડકરનું મોત હ્દય રોગના હુમલાથી થયું હોવાની સંભાવના છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કોઈ ખુલાસો થઈ શકે છે.