ઓલપાડ ટાઉન: ઓલપાડ (Olpad) તાલુકામાં ગત બીજી જાન્યુઆરીએ રાત્રે નઘોઈ ગામની સીમમાં દીપડાએ (Panther) મોટરસાઇકલ (Bike) સવાર ઉપર હુમલો (Attack) કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે બાદ દીપડાની ઓલપાડ તાલુકામાંથી શરૂ થયેલી સફર શહેર સુધી પહોંચી હતી. સુરતના જહાંગીરપુરા નજીક આવેલા સરોલી ગામે (Village) પણ ગત રાત્રે દીપડો દેખાવાની ઘટનાને કારચાલકે મોબાઈલમાં કેદ કરી વિડીયો વાયરલ કરતાં દીપડો સરોલી ગામમાં આવ્યો હોવાની આવવાની ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની હતી.
- સુરત શહેરને અડીને આવેલા સરોલીમાં દીપડાની લટાર
- જહાંગીરપુરાથી બે કિમીના અંતરે જ દીપડો દેખાતા સુરતીઓમાં ગભરાટ
પ્રાપ્ત વિગત મુજબ ઓલપાડ તાલુકામાં થોડા દિવસ અગાઉ નઘોઈ, અસનાડ, કસાદ, ઠોઠબ બાદ કોબા પારડી વિસ્તારોમાં દીપડો જોવા મળ્યો હતો. જેને પગલે વન વિભાગે વિવિધ ગામોમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી. ત્યારબાદ ભટગામ-રાજનગર માર્ગ પર મજીરા હનુમાનજી મંદિર નજીકથી મોટરસાઇકલ પર પસાર થતા માતા-પુત્ર ઉપર દીપડાએ હુમલો કરતાં ચાલકે પૂરઝડપે ગાડી ભગાવતાં આબાદ બચાવ થયો હતો. વન વિભાગે કેટલાક વિસ્તારમાં દીપડાનાં પગલાં જોઈ દીપડો હોવાની પુષ્ટિ કરી હતી.
જો કે, ગ્રામજનોએ પાંજરું ગોઠવવાની માંગણી કરતાં વન વિભાગે કોબા પારડી ગામની સીમમાં ખેતરાડી નજીકની ઝાડીમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી. બાદ હવે દીપડો સુરત શહેરના જહાંગીરપુરા નજીક આવેલા સરોલી ગામ સ્થિત ભગવતી ઢોસા સેન્ટર નજીક દેખાયો હતો. જે દીપડાને એક કારચાલકે જોતાં તેણે દીપડાનો મોબાઇલમાં વિડિયો ઉતારી લઈ વાયરલ કરતાં સ્થાનિક ગ્રામજનોને દીપડો ગામમાં આવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું.
આ વાત વાયુવેગે ફેલાતાં સરોલી ગામના ડે. સરપંચ રાકેશ પટેલને જાણ થતાં તેણે સરપંચ સ્મિતા પટેલને દીપડો સરોલી વિસ્તારમાં ફરી રહ્યો હોવાની માહિતી આપતાં તેમણે ઓલપાડ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે પણ શહેર નજીક દીપડો આવ્યો હોવાની ઘટનાને ગંભીરતાથી લઈ તેમણે દીપડાને પકડવા પાંજરું ગોઠવી પકડવાની કવાયત હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે દીપડો શહેર તરફ લટાર મારી રહ્યો હોય વન વિભાગે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ફરી પાછા સરોલી ગામે પાંજરું ગોઠવી દીપડાને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી છે.