સુરત: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કુડસદ રેલવે સ્ટેશન આવેલું છે. આ કુડસદ ગામ અંદાજે 5000 થી વધુ વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં પરપ્રાંતીય શ્રમજીવી, હીરા ફેક્ટરીઓના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ, નોકરિયાત લોકોની વસ્તી છે. આ કુડસદ ગામના લોકોને નોકરી, કામ-ધંધા અર્થે અમદાવાદથી સુરતથી વાપી તેમજ આ ગામના ઉચ્ચતર માધ્યમિક-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજુબાજુ નજીકના શહેરોમાં અભ્યાસ અર્થે જવાનું રહે છે.
અત્યાર સુધી સુરત, અંકલેશ્વર, ભરૂચ, અમદાવાદ, વાપી સુધીના વિસ્તારોમાં કામ અર્થે જવા માટે કુડસદ રેલવે સ્ટેશનએ લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા લાંબા સમયથી પશ્ચિમ રેલવે પ્રશાસનને લોકલ ટ્રેનનું સ્ટોપેજ રદ કરાવી દઈ કુડસદ ગામના લોકો સાથે અન્યાય કર્યો છે.
લોકલ ટ્રેનનું સ્ટોપેજ રદ કરાતા આ ગામના પરપ્રાંતિય શ્રમજીવી, હીરાના કારખાનામાં કામ કરતાં કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓને નજીકના મુખ્ય શહેરોમાં જવા માટે અન્ય પરિવહન ઉપર આધાર રાખવો પડે છે. જેને કારણે સમયની બરબાદી તો થાય છે, પરંતુ સાથે સાથે ગ્રામજનો પર આર્થિક બોજ પણ વધી જાય છે. જેથી અમોની માંગ છે કે કુડસદ રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતી લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપી પરિવહન માટે હાલાકી ભોગવતા ગ્રામજનો સાથે ન્યાય કરવા માંગણી ઉઠી છે.
કુડસદ એ કીમ નજીક આવેલું મહત્વનું સ્ટેશન છે, અહીંથી મોટી સંખ્યામાં મુસાફરો પોતાના ગંતવ્ય સ્થળે જતા હોય છે, પરંતુ એક્ષપ્રેસ ટ્રેન ની વાત તો દૂર, લોકલ ટ્રેન નું પણ સ્ટોપેજ નહિ મળતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કુડસદ ખાતે ફરી એકવાર રેલવે સ્ટોપેજની સુવિધા શરૂ કરવામાં આવે તે સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાન દર્શન નાયકે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખી વિનંતી કરી છે. દર્શન નાયકે વિનંતી કરી છે કે, કુડસદના 5000 ગ્રામજનોના હિતમાં પશ્ચિમ રેલવેનું તંત્ર તાકીદે આ બાબતે ઘટતું કરી વિસ્તારના લોકોના હિતમાં નિર્ણય લે.