સુરત: (Surat) દક્ષિણ ગુજરાતમાં વરસાદની (Rain) આગાહીને પગલે સુરત જિલ્લાના ઓલપાડ સહિતના આસપાસના વિસ્તારમાં સવારથી જ જાણે ભરશિયાળે ચોમાસું (Monsoon) બેઠું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. ઓલપાડના સેગવાછામા સહિત આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ઉપરાંત કરા પડ્યા હતા. તો બીજી તરફ ભારે પવનને કારણે ઘટાદાર વૃક્ષો પર માર્ગો ઉપર તૂટી પડતા રસ્તા બ્લોક થઈ ગયા હતા. ભારે પવન અનેક કાચાં ઘરોની છત પર ઉડાવી ગયો હતો. વરસાદની અસર સૌથી વધુ ખેતીને થઈ છે. શાકભાજી સહિતના પાકને પારાવાર નુકસાન થવાનાં એંધાણ છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે રવિવારે સવારથી જ મોસમે મિજાજ બદલ્યો હતો અને સુરત જિલ્લામાં જાણે ચોમાસું જામ્યું હોય એવું પ્રતીત થતું હતું. જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં સવારના આઠ વાગ્યાથી જ ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. ભારે પવન સાથે માવઠું થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ચોર્યાસી તાલુકાના અડીને આવેલા ઓલપાડ તાલુકાના સેગવાછામા તથા આસપાસના વિસ્તારમાં કરા પડ્યા હતા. તો માર્ગો ઉપર ઘટાદાર વૃક્ષો તૂટી પડતાં રસ્તા બંધ થઈ ગયા હતા. સ્થાનિક તંત્ર વૃક્ષો હટાવવાની કામગીરીમાં જોતરાઈ ગયું હતું. બીજી તરફ વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી. ભારે પવનને કારણે અનેક કાચાં ઘરોની છત ઉપરથી પતરાં ઊડીને જમીન દોસ્ત થઈ ગયાં હતાં. જો કે, કોઈ નુકસાનીના અહેવાલ સાંપડ્યા નથી. ભારે પવન ફૂંકાવાથી સુરત ઓલપાડ સ્ટેટ હાઇવે પર સરોલી ગામ નજીક ભેંસોના બે તબેલાના પતરાં ઊડ્યા હતાં. તો એક તબેલાના પતરાં ઊડીને રોડ પર પડ્યાં હતાં.
કમોસમી વરસાદને કારણે હાલમાં ઘઉંની વાવણી કરનારા અને પાણી મૂકી દેનારા ખેડૂતોને પસ્તાવાનો વારો આવ્યો હતો. તો ઘણા ખેડૂતોએ શાકભાજીના પાકની આવક લેવાની હજુ શરૂઆત જ કરી હતી ત્યાં પાપડી સહિતના અન્ય પાકોના ફૂલ ખરી જતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. આમ, આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બનીને આવ્યો છે.
કાપણી બાદ શેરડી ખેતરોમાં પડી રહી
ઓલપાડ તાલુકાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો સાયણ તથા આસપાસના વિસ્તારમાં શેરડી કાપણીની કામગીરી અટકી પડી હતી. ઘણા ખેડૂતોની શેરડી ખેતરોમાં જ પડી રહી હતી. કારણ કે, કમોસમી વરસાદને લીધે રસ્તા ખરાબ થઈ જતાં ખેતર સુધી વાહનો નહીં જઈ શકતાં કામગીરીમાં અવરોધ થયો હતો. મજૂરોના પડાવમાં પાણી ભરાઈ જતાં પાણી ઉલેચવાની નોબત આવી હતી. આવી સ્થિતિમાં સુગર મિલો પણ એક અઠવાડિયા બંધ રહે એવી શક્યતા છે.
લગ્ન પ્રસંગોના માંડવા ભીંજાઈ ગયા, ડીજે ઢાંકવા પડ્યા
હાલ દેવ ઊઠી એકાદશી બાદ હિન્દુ ધર્મના શુભ પ્રસંગો પણ શરૂ થઈ ગયા છે ત્યારે કેટલાક પરિવારોએ શિયાળામાં સંતાનોનાં લગ્નનું આયોજન કર્યું હતું. પરંતુ માવઠાએ લગ્ન પ્રસંગોની મજા ફીક્કી કરી નાંખી છે. ઓલપાડના કાંઠા વિસ્તાર સહિત સાયણમાં પણ લગ્ન લેવાયાં હતાં. અને રવિવારે સવારથી જ કમોસમી વરસાદે તૂટી પડતાં લગ્નના મંડપો ભીંજાઈ ગયા હતા. તો ડીજેનું આયોજન કરનારાઓ પણ ડીજે ઢાંકવા દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. ઘણી જગ્યાએ જમણવારમાં પણ વિઘ્ન ઊભું થયું હતું. અચાનક આવી પડેલી કુદરતી આફત સામે લાચાર પરિવારો લગ્ન પ્રસંગ કેમેય કરીને પાર પડે એ માટે ભાડેથી હોલ માટે પણ પૂછપરછ કરતા જોવા મળ્યા હતા. આ સ્થિતિમાં લગ્નના ખર્ચા ઉપરાંત ઘણા પરિવારોને ડબલ ખર્ચા થઈ જશે.
આગાહીને અવગણનારા ખેડૂતોને પસ્તાવો
બે-ત્રણ દિવસથી જ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો પરંતુ કેટલાક ખેડૂતોએ હવામાન વિભાગની આગાહીને અવગણી હતી. પરંતુ વરસાદ પડતાની સાથે જ ખેતરમાં રહેલા સૂકા ચારાને બચાવવા ખેડૂતો દોડધામ કરતા જોવા મળ્યા હતા. જે ખેડૂતોની પરારની બરકી ખેતરમાં પડી રહી હતી તેમને ભારે નુકસાન થયું હતું. તો ઘણા ખેડૂતોએ પહેલેથી જ આયોજન કરી દેતાં આર્થિક નુકસાની ઓછી થઈ હતી.