સુરતઃ (Surat) વરાછા ખાતે બરોડા પ્રીસ્ટેજ પાસે ઘનશ્યામનગર વિભાગ 2 માં દુકાન અને ગોડાઉન (Shop And Godown) ધરાવતા તેલના હોલસેલ વેપારીને ત્યાં નોકરી કરતા રાજસ્થાની નોકરે બનેવી સાથે મળી 60 દિવસમાં 8 વખત રૂ.7.53 લાખના તેલના ડબ્બા (Oil Can) અને અન્ય સામાનની ચોરી કરી હતી. વરાછા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
- વરાછામાં તેલના હોલસેલ વેપારીના ત્યાં નોકરે જ ગોડાઉનમાંથી 7.53 લાખના 236 તેલના ડબ્બાની ચોરી કરી
- ગોડાઉનમાં સાફસફાઈ કરતા તેલના ડબ્બા ઓછા જણાયા, નોકરે કરેલી ચોરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા
વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા લંબે હનુમાન રોડ પર જોલી એન્ક્લેવ સી/902 માં રહેતા હરેશભાઇ નંદલાલભાઇ રાજા વરાછા બરોડા પ્રીસ્ટેજ પાસે ઘનશ્યામનગર વિભાગ 2 શેરી નં.15-16 પ્લોટ નં.68 માં ન્યુ જગદંબા ટ્રેડીંગ કંપની તથા શ્રી જગદંબા સ્ટોર્સના નામે તેલનો હોલસેલ વેપાર અને જનરલ સ્ટોર ધરાવે છે. કિશોરકુમાર મદનલાલ તૈલી ( રહે.ગવાડા, જી.પાલી, રાજસ્થાન ) એ વર્ષ 2013 થી 2016 સુધી હરેશભાઈના ત્યાં કામ કરતો હતો. કિશોરે કામ છોડયું ત્યારે પોતાના સાળા નરેશ રામજીલાલ તૈલી ( રહે.બધાના, જી.રાજસંમદ, રાજસ્થાન ) ને કામ ઉપર મુક્યો હતો. દુકાન તેમજ ગોડાઉનની ચાવી નરેશ પાસે પાસે રહેતી હતી. ગત 21 જુલાઈ 2022 ના રોજ નરેશે પિતા વતનથી આવ્યા હોવાથી રજા લીધી હતી. બાદમાં પિતાનું અકસ્માત થતા તે નોકરી ઉપર આવતો નહોતો.
ત્યારે હરેશભાઈએ 2 ઓગસ્ટે ગોડાઉનમાં સાફસફાઈ કરતા તેલના ડબ્બા ઓછા જણાયા હતા. જેથી તેમને દુકાનના તાળા બદલી નાંખ્યા હતા. બીજા દિવસે તેમને સીસીટીવી ચેક કર્યા હતા. ત્યારે એક ટેમ્પો અને બે માણસ જોવા મળ્યા હતા. તેમને સીસીટીવી કેમેરામાં 60 દિવસના ફૂટેજ ચેક કરતા 25 જૂન થી 30 જુલાઈ દરમિયાન નરેશે તેના બનેવી સાથે મળી દુકાન અને ગોડાઉનમાંથી તેલના ડબ્બા અને અન્ય સામાનની આઠ વખત ચોરી કરી હોવાનું જોવા મળ્યું હતું. જેથી પોલીસમાં અરજી કરતા તેને 22 અને 30 જુલાઈએ ચોરેલા તેલના 94 ડબ્બાના રૂ.2.11 લાખ ચુકવી દીધા હતા. બાકી રહેલા 7.53 લાખના તેલના 236 ડબ્બા અને અન્ય સામાનની ચોરી કર્યાની ફરિયાદ વરાછા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.