સુરત: સહી આપો નહિતર લોહી નહિ ચઢાવીએ કહી દર્દીના સગાઓને બ્લેક મેઈલ કરાતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સુરત સિવિલ હોસ્પિટલમાંથી (Civil Hospital) બહાર આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. એટલું જ નહીં પણ દર્દીને ચઢાવવા માટે મંગાવવામાં આવેલું લોહી 6 કલાક બાદ ચઢાવવાના 10 જ મિનિટમાં દર્દીનું (Patient) મોત (Death) નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. પરિવારે કહ્યું હતું કે કિડની ઇન્ફેક્શન સાથે દાખલ કરાયેલા વૃદ્ધ બેડવંતી રામરાય શર્મા ને કેન્સર પણ હતું. જોકે કિડનીમાં થોડી રિકવરી આવ્યા બાદ કેન્સરની સારવાર શરૂ કરવા ડોક્ટરોએ સૂચન કર્યું હતું. તેમછતાં ગાયનેક તબીબો વૃદ્ધ બેડવંતીબહેન ને દાખલ કરતા જ ન હતા. આખરે દાખલ કર્યા બાદ કોઈ યોગ્ય સારવાર ન આપતા એમનું મોત નીપજ્યું હોવાનો આરોપ કરી ન્યાય માટે લેખિત માં સુપરિટેન્ડન્ટ અને RMO ને આપતા ચર્ચાનો વિષય બન્યો હતો. સાથે સાથે બુધવારની રાત્રે 11:30 વાગે મૃતદેહ ને પોસ્ટ મોટમ રૂમમાં મુકાયા બાદ ગુરુવારે સવારે 10 વાગે PM ચોપડે એન્ટ્રી કરાતા તંત્રની લાપરવાહી બહાર આવી હોવાનું કહી શકાય છે.
ડો. કેતન નાયક (RMO) એ કહ્યું હતું કે દર્દીને ચોથા સ્ટેજ નું કેન્સર હતું, હાલત ગંભીર હતી, પરિવારની ગેર સમજ થઇ છે, ડોક્ટરોની કોઈ ભૂલ નથી, પોસ્ટ મોર્ટમમાં હકીકત બહાર આવશે, તપાસ કરાશે. જ્યારે હરિ ભ્રમભટ્ટ (જમાઈ એ કહ્યું હતું કે ત્રણ દીકરા અને એક દીકરીની માતા એવા 51 વર્ષીય બેડવંતી રામરાય શર્મા ને ગત તારીખ 17 મી ના રોજ કેન્સર બાદ કિડની ઇન્ફેક્શન ની ફરિયાદ સાથે સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં કેન્સર હોસ્પિટલમાંથી બેડવંતી બહેન ને ગાયનેક વોર્ડમાં દાખલ કરાવી કિડની ની સારવાર બાદ કેન્સરની સારવાર શરું કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે ગાયનેકના ડોક્ટરોએ દાખલ કરવા માટે આના કાની કરતા મામલો ટ્રોમાં સેન્ટરમાં પહોંચ્યો હતો. જયાંથી બેડવંતી બહેન ને ગાયનેક વોર્ડ E-1 માં દાખલ કરાઈ હતી. જોકે સારવાર દરમિયાન દુખાવાથી પીડિત બેડવંતી બહેન ને પેઇન કિલર દવા કે ઇન્જેક્શન પણ અપાતા ન હતા. બસ અમારી પાસે આ દવા કે ઇન્જેક્શન નથી એમ કહી ચાલી જતા હતા.
વધુમાં જણાવ્યું હતું કે વારંવાર દુખાવાની ફરિયાદ કરતા ર્ડાકટરો કહે છે થાકી ગયો છું, મારી પાસે ઘણું કામ છે, તમે એકલા નથી, ઘરે લઈ જાઉં જેવા શબ્દોના મહેણાટોણા મારી દર્દી સાથે ગેર વર્તન કરાતા હોવાનું નજરે જોવા મજબુર હતા. બુધવારની સવારે લોહી લઈ આવો ચઢાવવું પડશે એમ કહેતા બપોરે 12 વાગ્યા પહેલા લોહી લાવી ને આપી દીધું હતી. ત્યાં સુધી બેડવંતી બહેન વોર્ડમાં સાજા હતા. જોકે સાંજે 6 વાગ્યા સુધી લોહી ચઢાવવા વગર પડી રહ્યું અને પરિવારે ધ્યાન દોરતા લોહી ચઢાવ્યું ને એમની તબિયત બગડી હતી. બસ ત્યારે જ ડોક્ટરો એ રાગ બદલ્યો ને કહ્યું આ પેપર પર સહી કરો નહિતર લોહી ચઢાવવાનું બંધ કરી દઇશું, સહી કરવાની ના પાડતા લોહીની બોટલ બંધ કરી દીધી હતી. બસ 10 મિનિટમાં જ બેડવંતી બહેનનું મોત થઈ ગયું હતું જોકે ગંભીર હોવાનો નાટક રચી ડોક્ટરોએ દોડા દોડી કરી એમને ICU માં લઇ ગયા હતા. બસ થોડીવાર બસ તમામ મોટા ડોક્ટરો દોડી આવ્યા ને સમજાવવા માંડ્યા, આખરે શુ થયું એમ પૂછતાં જ એમનું મોત થઈ ગયું હોવાનું કહી હાથ ઉપર કરી લીધા હતા.
વધુમાં જણાવ્યું હતું કે કલાકો સુધી રકઝક થયા બસ પોસ્ટ મોર્ટમ કરાવવા માટે ડોક્ટરો તૈયાર થયા અને મૃતદેહ પોસ્ટ મોટમ રૂમ માં મુકવામાં આવ્યો હતો ત્યારબાદ સવારે 10 વાગ્યા પહેલા મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરી ડેથ બોડી આપી દઇશું એમ કહ્યું હતું. જોકે સવારે ખબર પડી કે pm ચોપડામાં કોઈ એન્ટ્રી જ નથી પડી, પોલીસ ને કોઈ જાણ નથી કરાઈ, સવારે 10 વાગે પોલીસ ને જાણ કરાયા બાદ સિવિલની ખટોદરા ચોકીના જમાદાર કહે કેસ ડીંડોલીનો છ એટલે વરડી ડીંડોલી પોલીસ ને કરાઈ છે. પોલીસે ઇકવેસ્ટ ભરી ને આપતા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાયું હતું.