સુરત: રાત્રી કર્ફ્યુ (NIGHT CURFEW)માં સમયમાં ઘટાડો કર્યા બાદ અને હાલ જ પુરી થયેલ સ્થાનિક સ્વરાજ્ય(LOCAL BODY ELECTION)ની ચૂંટણી બાદ હવે ફરી મોટા શહેરોમાં કોરોના(CORONA)એ માથું માર્યું છે, ગત રોજ સમગ્ર રાજ્યમાં 500 થી વધુ નવા કેસો નોંધાયા હતાં, સુરત શહેરમાં પણ લગભગ દોઢ મહિના બાદ એક જ દિવસના કોરોના પોઝિટિવ (POSITIVE) કેસોનો આંક 100 પાર પહોંચ્યો હતો, પરંતુ આ બધા વચ્ચે એક ચિંતાના સમાચાર મળી રહ્યા છે જે તંત્ર માટે ઊંઘ હરામ કરવા બરાબર સાબિત થયા છે.
સુરતમાં ગત ફેબ્રુઆરી મહિનામાં ત્રણ પોઝિટિવ પેશન્ટના સેમપ્લો લેવામાં આવ્યા હતાં, જેને પુણેની લેબમાં વધુ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં એક દર્દી (PATIENT)ના સેમ્પલમાં યુકે(UK)ના નવા કોરોના સ્ટ્રેઇન(CORONA STRAIN)ના લક્ષણો દેખાતાં તંત્ર દોડતું થયું છે. આ નવા સ્ટ્રેઇનની માહિતી મળતાં જ સુરત મનપા દ્વારા શહેરના 4 વિસ્તારોને ક્લસ્ટર ઝોન(CLUSTER ZONE)માં મુકવામાં આવ્યા છે. આ ચાર વિસ્તારોમાં રાંદેર, પૂણા , વરાછા અને સરથાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ કેસોમાં વધારો જોવા મળ્યો છે, ચૂંટણીઓ પેહલા સુરત શહેરમાં રોજના 35 આસપાસ કોરોનાના કેસો નોંધાતા હતાં, જયારે હવે છેલ્લા 2 દિવસથી સુરત શહેરમાં 100 થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. જેને પગલે પાલિકાએ ફરીથી શહેરના સંક્રમિત વિસ્તારોને ક્લસ્ટરમાં મુકવાનું શરુ કર્યું છે. જે અંતર્ગત વરાછા ઝોનમાં 68 લોકો, સરથાણા ઝોનમાં 264 લોકો, રાંદેર ઝોનમાં 1738 લોકો એમ કુલ મળીને 2070 લોકોને ક્લસ્ટર જાહેર કરાયાં છે.
સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનો આંક 54285 પર પહોંચ્યો.
સુરત મનપાના જણાવ્યા અનુસાર શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કુલ મળીને પોઝિટિવ કેસોનો આંક 54285 સુધી પહોંચી ગયો છે, જયારે હમણાં સુધીનો કુલ મૃત્યુઆંક 1137 પર અટક્યો છે, ગઈકાલે સુરત શહેરમાં 75 અને જિલ્લામાં 7 લોકો મળીને કુલ 82 લોકો ને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. આ હિસાબે હમણાં સુધી કુલ 52,541 લોકો કોરોનાને હરાવીને સાજા થયાં છે. હાલ શહેરમાં એક્ટિવ કેસો માત્ર 607 છે.