સુરત: (Surat) 25 જૂને નવી સિવિલ હોસ્પિટલમાંથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. 200 જેટલા પોલીસ (Police) કર્મીઓ 1000 જેટલા સીસીટીવી કેમેરા સાથે ભારે શોધખોળ કર્યા બાદ તે બાળક 26 કલાકની મહેનત બાદ ભેસ્તાન વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ બનતી ચોરી અને અન્ય બનાવોને રોકવા માટે ટૂંક સમયમાં હોસ્પિટલમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ શરૂ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
- નવી સિવિલમાં બાળકના અપહરણ બાદ તંત્ર એલર્ટ મોડમાં
- નવી સિવિલમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ શરૂ કરવામાં આવશે
નવી સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગની સાથે-સાથે કિડની બિલ્ડિંગના ઓપીડી હોલ, ગેલેરી, વોર્ડની બહાર, બ્લડ સેમ્પલ ઓપીડી, રેડિયોલોજી વિભાગ જેવી ભીડભાડવાળી જગ્યાએ પબ્લિક એડ્રેસ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને જાગૃત કરવામાં આવશે. લોકોને તેમના બાળકો, મોબાઈલ અને સામાનની સંભાળ રાખવા માટે આ સુવિધાથી વારંવાર જાહેરાત કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં દરરોજ 4000થી વધુ દર્દીઓ અને 2000થી વધુ દર્દીઓના સંબંધીઓ આવે છે. તેમની સાથે તેમનો સામાન, મોબાઈલ ફોન અને બાળકો સાથે પણ લાવે છે. આ સુવિધા સાથે, લોકો વિચલિત થશે નહીં અને તેમના સામાન અને બાળકોની સંભાળ લેશે. બીજી તરફ જૂની બિલ્ડિંગમાં જવાના સાતમાંથી ચાર એક્સેસ રોડ બંધ કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે.
નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, પબ્લિક એડ્રેસ સિસ્ટમ લાગુ કરવાની યોજનાની તૈયારીઓ શરૂ કરી દેવા આવી છે. તેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે. હોસ્પિટલમાં પહેલેથી જ આ સુવિધા છે જે હવે સક્રિય થશે. લોકોને તેમના બાળકોની સાથે-સાથે તેમના સામાનનું પણ ધ્યાન રાખવાનો સંદેશ આપવામાં આવશે. આ સાથે જ જૂની બિલ્ડિંગના કેટલાક ગેટ બંધ કરવા પણ વિચારણા ચાલી રહી છે.