સુરત: (Surat) શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગઈકાલે સાંજે સગા કાકાએ મોટા ભાઈ સાથે બદલો લેવા બે ભત્રીજાઓને (Nephew) 50 ફુટ ઉપર ત્રીજા માળેથી નીચે ફેંકી દીધા હતા. મોટો પુત્ર લોહીલુહાણ હાલતમાં ઉપર આવતા પિતાને ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ બંને બાળકોને 108 માં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાંડેસરા પોલીસે (Police) બાળકોને ફેંકનાર કાકાની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાન ખાતે યુનીટી એસ્ટેટમાં ખાતામાં રહેતો અને ત્યાં જ કામ કરતા જયપ્રકાશ રામઆશરે ગૌતમને સંતાનમાં બે પુત્ર છે. મોટો પુત્ર મુકુન્દ (ઉ.વ.13) અને નાનો પુત્ર આદિત્ય (ઉ.વ.11) છે. ગઈકાલે સાંજે જયપ્રકાશના નાના ભાઈ નાગેન્દ્ર (ઉ.વ.22) એ પહેલા મોટા ભત્રીજાને નીચેથી ઉપર ત્રીજા માળે બોલાવ્યો હતો. તેની સાથે વાત કરતા કરતા તેને બારી પાસે લઈ ગયો અને નીચે ફેંકી દીધો હતો. ત્યારબાદ નાના ભત્રીજાને બોલાવી તેને પણ આ રીતે જ વાત કરતા કરતા નીચે ફેંકી દીધો હતો. બાદમાં ઉતાવળે નીચે ભાગી આવ્યો હતો. અને તેના ભાઈને હું વતન યુપી જવા નીકળી રહ્યો છું તેમ કહીને ભાગી ગયો હતો. જયપ્રકાશને તેના ભાઈની હરકત શંકાસ્પદ જણાઈ હતી. અડધો કલાક પછી મોટો પુત્ર લોહીલુહાણ હાલતમાં ઉપર આવતા જયપ્રકાશ તેને જોઈને ચોંકી ગયો હતો. પુત્રને કઈ રીતે વાગ્યું તે અંગે પુછતા પુત્રએ કાકાએ ઉપરથી નીચે ફેંકી દીધો હોવાનું કહ્યું હતું. નાના પુત્રની શોધખોળ કરતા પાછળ ઝાડી ઝાખરામાં મળી આવ્યો હતો. બંનેને તાત્કાલિક નવી સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં બંને બાળકો સારવાર હેઠળ છે. પાંડેસરા પોલીસે નાગેન્દ્રની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
નાગેન્દ્ર વતનથી સુરત છોકરી ભગાવી લાવ્યો હતો
નાગેન્દ્ર ચાર ભાઈઓમાં સૌથી નાનો છે. તે કઈ કામ ધંધો કરતો નથી. ચાર-પાંચ મહિના પહેલા વતનથી એક છોકરીને સુરત ભગાવી લાવ્યો હતો. સુરત આવીને તેને પોતાના મામા પાસે રૂમની ચાવી માંગી હતી. પરંતુ આ રૂમ જયપ્રકાશનો હોવાથી મામાએ જયપ્રકાશ સાથે વાત કરતા તેને આવા કોઈ ખોટા કામ માટે ચાવી મળશે નહીં કહીને ઇનકાર કર્યો હતો. બાદમાં છોકરીના પિતા વતનમાં જયપ્રકાશના પિતાને ધમકાવી આવ્યા હતા. બાદમાં જયપ્રકાશે છોકરીને શોધીને વતન તેના ગામ મોકલી આપી હતી. આ વાતને લઈને બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. અને નાગેન્દ્રએ તેનો બદલો લેવાની ધમકી પણ આપી હતી.
પ્લાન કરીને ચાર દિવસ પહેલા જયપ્રકાશ પાસે રહેવા આવ્યો
નાગેન્દ્રએ પ્લાન ઘડીને ચાર દિવસ પહેલા જ જયપ્રકાશ પાસે આવ્યો હતો. અને હું ચારેક દિવસ પછી વતન જતો રહેવાનો છે એટલે મને ચાર દિવસ તારી પાસે રહેવા દે એમ કહ્યું હતું. જયપ્રકાશે તેને ચાર દિવસ રહેવા દીધો હતો. ગઈકાલે રવિવાર હોવાથી ખાતા પર કોઈ હાજર નહોતું. પોતે પહેલા નીચે જઈને કામ કરવા લાગ્યો હતો. અને પછી ઉપર જઈને બંને ભત્રીજાઓને બોલાવી ફેંકી દીધા હતા.
વતનમાં પણ પિતાનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો
નાગેન્દ્ર પહેલા છોકરીને ભગાવી વતન તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં પરિવારે તેનો વિરોધ કરતા નાગેન્દ્રએ તેના પિતાનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કરી સુરત ભાગી આવ્યો હતો. સુરતમાં રહેવા માટે એક ભાઈના ઘરેથી બીજા ભાઈના ઘરે ધક્કા ખાતા નાગેન્દ્રને પ્રેમિકાને છોડવાની ન હોવાથી ભાઈઓ સાથે ઝઘડો કરતો હતો.