નવસારી : નવસારીમાંથી બે અલગ અલગ જગ્યાએથી દારૂ ઝડપાયું હતું. જેમાં સાલેજ નહેર પાસે પોલીસે સુરતના વ્યક્તિને દારૂ સાથે પકડી પાડ્યો હતો. બીજી તરફ નેશનલ હાઈવે ફનસિટી હોટલ પાસેથી રિક્શામાં દારૂ લઈ જતા 3 ઝડપાયા હતા. ગણદેવીથી નવસારી (Navsari) તરફના સાલેજ માયાતલાવડી નહેર પાસેથી વેગન આર કારને ગણદેવી પોલીસે (Police) રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 38,400 રૂપિયાના વિદેશી દારૂની (Foreign liquor) 48 બાટલીઓ મળી આવી હતી. ત્યાર બાદ હાલ સુરતના (Surat) એલ.પી. સવાણી સ્કુલની બાજુમાં હનીપાર્ક સોસાયટીમાં રહેતા પારસભાઈ કાળુભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો. તે મૂળ બોટાદ તાલુકાના સાળંગપુર ગામનો વતની છે. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 1.50 લાખની કાર અને 10 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ 1,98,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
નવસારી ફનસિટી હોટલ પાસેથી વિદેશી દારૂ સાથે 3 ઝડપાયા, એક વોન્ટેડ
નવસારી : નવસારી ગ્રામ્ય પોલીસે નેશનલ હાઇવે નં. 48 ઉપર ફનસિટી હોટલ પાસેથી રિક્ષા નં. (જીજે-21-ટી-693)ને રોકી તપાસ કરી હતી. જેમાં અલગ-અલગ 6 કાપડના થેલામાંથી 27,725 રૂપિયાની વિદેશી દારૂ અને ટીન બિયરની 191 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે નવસારી ઘેલખડીમાં ભીમાજી કોમ્પ્લેક્ષમાં રહેતા ચંદ્રસેન ઉર્ફે ચંદ્રકાંત રાધેશ્યામ યાદવ, સુરતના ઓલપાડ તાલુકાના કીમ હસ્તી સોસાયટીમાં રહેતા મમતાબેન અજયભાઈ જોષી તેમજ વિજલપોરના વિઠ્ઠલમંદિરની પાછળ રહેતા પીન્ટુકુમાર જોગેન્દ્રરામ કહારને ઝડપી પાડી રિક્ષા ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે કુલ દારૂ અને રિક્ષા મળી 77,725 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
વિજલપોરના મારૂતિ નગરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઝડપાયા
નવસારી : વિજલપોરના મારૂતિનગર સ્કૂલની પાસે આવેલા તળાવ પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર છાપો મારી જુગાર રમતા શિવાજી ચોક પાસે વિજય કોલોનીમાં રહેતા સમીર રમજાન ફકીર, જલાલપોરના ચંદનવન કાવેરી સોસાયટીમાં રહેતા વિજય બાબુ કુરાડે અને વિજલપોર મારૂતિ સ્કુલની પાસે ગુડારી ફળીયામાં રહેતા દાદુ નાના માજરેને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી કુલ રોકડા 2,240 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.