SURAT

રાષ્ટ્રીય એકતા દિવસ પર સુરતમાં એકતા દોડનું આયોજન, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ દોડ લગાવી

સુરત: (Surat) સરદાર વલ્લભભાઈ પટેલના (Sardar Patel) જન્મદિવસ નિમિત્તે ‘રાષ્ટ્રીય એક્તા દિવસ’ (National Unity Day) નિમિત્તે સુરત પોલીસ કમિશનર હેડક્વાર્ટરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને વહેલી સવારે એક્તા દોડ યોજાઈ હતી. મંત્રી અને મહાનુભાવોએ લીલી ઝંડી આપી એક્તા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ તેઓએ એક્તા દોડમાં અન્ય દોડવીરો સાથે જોડાઈને પ્રોત્સાહિત કર્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશને છેલ્લા શ્વાસ સુધી એકસૂત્રમાં બાંધવા માટે સરદાર સાહેબે સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું.

એક્તા દોડની સાથોસાથ દોડની હરિફાઈ પણ યોજાઈ હતી. જેમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર દોડવીરોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દેશની એક્તા, અખંડિતતા અને સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા માટે રાષ્ટ્રીય એક્તાના શપથ લીધા હતા. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે દેશહિત માટે સરદાર સાહેબે કેટલાક કઠોર નિર્ણયો લઈને એક ભારતનું નિર્માણ કર્યું. તેમણે સરદાર પટેલના આદર્શ જીવનમાંથી જીવન ઘડતરની પ્રેરણા લઈ જવાબદાર નાગરિક બનવા આહ્વાન કર્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. સુરત રેલ્વે સ્ટેશન સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પંચામૃતથી અભિષેક કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ તિરંગા યાત્રા મીની બજાર જઈ સંપન્ન કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સમગ્ર શહેરની અંદર વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. સુરતમાં પણ અલગ-અલગ વિસ્તારોની અંદર સરદાર સાહેબના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થઈને યાત્રામાં જોડાયા હતા. નાના મોટા સૌ કોઈ હાથમાં તિરંગા લઈને જય સરદારના નારા લગાવ્યા હતા.

ત્રિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિતના અન્ય હોદ્દેદારો અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમિત શાહની હાજરીને લઈને તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે સરદાર અને ગાંધીનો ઉપયોગ માત્ર પોતાના હિત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે આજ સુધી તેમના વિચારોને ક્યારે અમલમાં મૂક્યા નથી.

Most Popular

To Top