સુરત: સુરત ખાતે એક નવીન મ્યુઝિયમનું (Museum) ઉદ્દઘાટન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 29 સપ્ટેમ્બર ના રોજ સુરત ખાતે ‘ખોજ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરશે અને જાહેર જનતાને વિજ્ઞાન ક્ષેત્રે આ નવું નજરાણું સમર્પિત કરશે. સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) નેતૃત્વ હેઠળ અને ગુજરાત સીએસઆર ઑથોરિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ના સીએસઆર (CSR) સમર્થનથી સુરતના સિટીલાઇટ રોડ સ્થિત સાયન્સ સેન્ટર સંકુલ ખાતે ‘ખોજ- વિજ્ઞાન+કળા+નવીનીકરણ મ્યુઝિયમ’ વિકસાવવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવેલું આ મ્યુઝિયમ ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, વિવિધ અન્વેષણ આધારિત પ્રવૃત્તિઓ અને જિજ્ઞાસા આધારિત સંશોધનો દ્વારા વિજ્ઞાન, કળા અને નવીનતાને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સુરતમાં વિકસિત આ ખોજ મ્યુઝિયમમાં મુખ્યત્વે બે ગેલેરીઓ, એક કાર્યશાળા અને એક ‘હોલ ઓફ ફેમ’ વિકસિત કરવામાં આવ્યા છે. મ્યુઝિયમના ભોંયતળિયે વાયરોસ્ફિયર ગેલેરી પ્રદર્શિત કરવામાં આવી છે. આ ગેલેરી વાયરસ એટલે કે વિષાણુઓ અને તેમના જીવનના વિવિધ પાસાઓનો અનુભવ આપશે. આ ગેલેરીમાં વિષાણુનો પરિચય, વિષાણુનો ઇતિહાસ, સૂક્ષ્મ જીવોનું વિશ્વ, વિષાણુનો ફેલાવો, કોરોના વાયરસ અને મહામારી દરમિયાન થયેલા નવીનીકરણનો સમાવેશ થાય છે. મ્યુઝિયમના આ ભાગમાં વિદ્યાર્થીઓ વિષાણુના વિવિધ પાસાઓને સમજવા માટે કેટલીક પ્રવૃત્તિઓ, પ્રયોગો અને અન્વેષણો કરશે. આ તમામ પ્રવૃત્તિઓ માટે દ્રશ્ય-શ્રાવ્ય સાધનો અને માહિતીદર્શક પેનલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટને શિક્ષણ પદ્ધતિમાં અને સમાજમાં વણી લેવાના ઉદ્દેશ્ય સાથે આ મ્યુઝિયમમાં ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ’ થીમ પર આધારિત એક પ્રદર્શન વિકસિત કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન મુખ્યત્વે પર્યાવરણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, વાતાવરણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પ્રદૂષણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેમજ ઊર્જા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા મુખ્ય વિષયો પર આધારિત છે. ખોજ મ્યુઝિયમ ખાતે પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસિત કરવામાં આવેલી છે. જેથી કરીને વિદ્યાર્થીઓ અને સમાજને લાભદાયી બને તેવી પ્રવૃત્તિઓનું સતત આયોજન થતું રહે.
‘હોલ ઓફ ફેમ’નો આઇડિયા
મ્યુઝિયમના પ્રથમ માળ પર એક કાર્યશાળા ડેવલપ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને કલાકાર, વૈજ્ઞાનિક, તકનીકી પ્રેમી, કારીગર, સસ્ટેનેબલ વિકાસનો સૈનિક, સંગીતકાર વગેરે બનવા માટે પ્રેરણા આપવાનું કામ કરશે. આ ઉપરાંત અહીં ‘હોલ ઓફ ફેમ’નો આઇડિયા પણ વિકસિત કરવામાં આવ્યો છે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને પ્રદર્શિત કરી મ્યુઝિયમને લોકોનું મ્યુઝિયમ બનાવવામાં આવશે.