SURAT

સુરતમાં મોબાઈલના ઝઘડામાં મિત્રએ જ મિત્ર પર ચપ્પુ હુલાવ્યું, યુવકનું મોત

સુરત: (Surat) સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલા સુભાષનગર પાસે ગઈકાલે મોડી રાત્રે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા (Murder) કર્યા હોવાની ઘટના સામે આવી છે. મિત્રો વચ્ચે મોબાઈલ (Mobile) બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં મિત્રએ જ મિત્રની (Friend) હત્યા કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે (Police) હત્યા કરનાર મિત્ર અને તેની માતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રની માતાએ પણ તેને હત્યામાં સાથ આપ્યો હોવાની માહિતી મળી છે.

સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલા સુભાષનગર પાસે 22 વર્ષીય સગીર અહેમદ શેખની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ગત મોડી રાત્રે તેના મિત્રએ જ સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ રાંદેર પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી દેવાયો હતો. 22 વર્ષીય સગીર અહેમદ જીલાની બ્રિજ પાસે શાકભાજીનો ધંધો કરે છે.

ગત મોડી રાત્રિએ તેના મિત્ર ફિરોઝ ચવલી અને તેની માતા શમીમ સુભાષનગર પાસે વાતો કરી રહ્યાં હતાં. દરમિયાન સગીર અહેમદ શેખ પાસે રહેલ મોબાઈલ પોતાનો છે એવું ફિરોઝ ચવલીએ કહ્યું હતું. આ બાબતે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જોતજોતાંમાં બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો હતો. ઝઘડામાં ફિરોઝની માતાએ પણ સગીર અહેમદ શેખને ગાળો આપી હતી. દરમ્યાન ફિરોઝે સગીર શેખ પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. સગીર શેખના છાતીના અને પેટના ભાગમાં ચપ્પુના ઘા મારી માતા દીકરો ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં. પોલીસે ફિરોઝની માતાની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top