સુરતઃ (Surat) રાંદેર વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની હાલત છેલ્લા ચોવીસ કલાકમાં કથળી હોય તેવું લાગી રહ્યું છે. રાંદેરમાં ગઈકાલે સામાન્ય વાતને લઈને થયેલા ઝઘડામાં જુની અદાવત (Animosity) રાખીને ચાર જણાએ મળીને યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. રાંદેર પોલીસે હત્યાનો (Murder) ગુનો દાખલ કરી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર પાટિયામાં મસાલ સર્કલ પાસે ભાગ્યોદય સોસાયટીમાં રહેતો 30 વર્ષીય બંટી ઉર્ફે રવિ હરેશભાઈ સોલંકી સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે રાત્રે તે માતાને ઘરે 10 મિનિટમાં આવવાનું કહીને નીકળ્યો હતો. દરમિયાન સોસાયટીની પાસે આવેલી ગાયત્રીનગર સોસાયટી પાસે પરિચિત યુવક સંજય ઉર્ફે સંજુ પેશાબ કરવા ઉભો હતો. બંટીએ સંજુને અહીંયા પેશાબ નહીં કરાય અમારી માતા-બહેનો આવજાવ કરતી હોય છે તેમ કહીને ઠપકો આપ્યો હતો. આ વાતને લઈ બંટી અને સંજય વચ્ચે માથાકૂટ થતા સંજય ત્યાંથી નીકળી ગયો હતો અને આગળ જઈને તેને તેના ત્રણ મિત્રોને ફોન કરીને બોલાવ્યા હતા. બાદમાં ચારેય જણાએ મળીને બંટી ઉપર હુમલો કરીને તેને ચપ્પુના ઘા મારી દીધા હતા. બંટીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. બંટી ઉર્ફે રવિની માતા લતાબેને આ અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. રાંદેર પોલીસે આરોપી સંજય ઉર્ફે સંજુ સહદેવ જગતાપ (ઉ.વ.28, રહે.પાલનપુર પાટિયા), અર્જુન લલન ચૌધરી (ઉ.વ.25, રહે.આંબેડકરનગર), કવન ઉર્ફે ક્રિષ્ણા નાથુભાઈ ખલાસી (ઉ.વ.24, રહે.સંતતુકારામ સોસાયટી) અને અજય ઉર્ફે અજ્યો રઘુ ભરવાડ (ઉ.વ.30, રહે.આંબેડકરનગર) ની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.
માતા પાસેથી 50 રૂપિયા લઈને 10 મિનિટમાં આવવાનું કહીને ગયો હતો
લતાબેનના પતિનું અવસાન થયા બાદ તેઓ ખાનગી હોસ્પિટલમાં આયાની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. રવિ મોટો દિકરો હોવાથી તેને પરિવારની જવાબદારી ઉઠાવી લીધી હતી. રવિ રાત્રે નોકરી પરથી આવીને તેની માતાને શુ જમવાનું બનાવ્યું છે તેમ પુછ્યું હતું. બાદમાં માતા પાસેથી 50 રૂપિયા માંગી હમણા 10 મિનિટમાં આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. રવિ તો પરત ઘરે નહીં આવ્યો પણ અડધો કલાક પછી રવિના મિત્ર જયેશનો ફોન આવ્યો હતો કે માસી તમે નવી સિવિલમાં આવી જાઓ, બંટીને વાગ્યું છે. જેથી લતાબેન તેમના ભાઈની સાથે નવી સિવિલમાં દોડી આવ્યા હતા. જ્યાં આવતા લતાબેનને તેમના પુત્રનું કલાક પહેલા મોત થયાની જાણ થઈ હતી. પુત્રના મોતની વાત સાંભળી અને સામે પડેલી પુત્રની લાશ જોઈને લતાબેન ઢળી પડ્યા હતા.
ઝઘડા પાછળ જુની અદાવત પણ કારણભૂત હોવાની આશંકા
બંટી ચારેય આરોપીઓને છેલ્લા ચારેક વર્ષથી ઓળખતો હતો. આરોપીઓ સાથે હીદાયત નગર પાસે ગાર્ડનમાં ઘણી વખત ક્રિકેટ રમવા બાબતે તેમનો અંદરોઅંદર ઝઘડો થયો હતો. આ બધાની વચ્ચે ગઈકાલે સંજયે બંટીની સોસાયટી પાસે પેશાબ કરતા તેમની વચ્ચે થયેલી બોલાચાલી લોહીયાળ બનતા બંટીને ભોગ લેવાયો હતો.