સુરત: (Surat) હજીરા સાયણ રોડ પર દાંડી ફાટક પાસે ગરનાળા નીચે પાણીમાંથી એક અજાણી મહિલાની લાશ (Dead Body) મળી આવી હતી. ધડ અલગ અને માથું પ્લાસ્ટિકની થેલીમાં અલગ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જહાંગીરપુરા પોલીસે (Police) મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ ખસેડી હત્યાનો (Murder) ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
- મહિલાનું માથું થેલીમાં અને ધડ અલગ મળી આવ્યું : મોત બાદ માથું કાપ્યું હતું!
- દાંડી ફાટક પાસેથી મહિલાની નિર્મમ હત્યા કરેલી લાશ મળી
- આશરે 25-30 વર્ષીય મહિલાના ડાબા હાથે 2 સ્ટાર છુંદેલા છે અને શરીરે ચેક્સવાળું સફેદ સલવાર પહેર્યું છે
- મૃતદેહ પીએમ માટે ખસેડી મહિલાની ઓળખ માટે પોલીસે કવાયત શરૂ કરી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે એક અજાણી મહિલાની લાશ હજીરા સાયણ હાઈવે ઉપર દાંડી ફાટક પાસે ગરનાળા નીચે પાણીમાંથી મળી આવી હતી. મહિલાનું માથું અલગ અને ધડ અલગ મળી આવ્યા હતા. રાહદારીનું લાશ તરફ ધ્યાન જતા પોલીસને જાણ કરી હતી. જેથી જહાંગીરપુરા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પહોંચીને જોતા આશરે 25-30 વર્ષ વયની મહિલા હતી. મહિલાએ કાનમાં નાની કડીઓ, નાકમાં કડી, પગમાં સાંકળા પહેર્યા છે. ડાબા હાથે 2 સ્ટાર છુંદાવેલા છે. અને જમણા હાથમાં ચાંદીની વીંટી પર્પલ કલરના નંગ વળી પહેરેલી છે. સલવાર કમીઝ સફેદ ચેક્સવાળુ પહેર્યું છે. મહિલાની કોઈ ઓળખ થઈ શકી નથી. મહિલાની નિર્મમ હત્યા કરેલી લાશ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલમાં ખસેડી ફોરેન્સિક પીએમ કરાયું હતું. મહિલાનો મૃતદેહ જોતા સારા ઘરની હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારી હકીકત મળી
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરતા જાણવા મળ્યું હતું કે, મહિલાનું મોત 3 થી 5 દિવસ પહેલા થયું છે. અને મહિલાનું મોત સંભવત: ઝેરી દવાને કારણે થયું હોય તેવું પ્રાથમિક તારણ છે. મહિલાનું માથું તેના મોત બાદ કાપવામાં આવ્યું હોય તેવું લાગે છે. તેને પોયઝનીંગ બાબતે ડીએનએ કરવામાં આવ્યું છે તથા બીજા પણ નમુના લેવાયા છે.