સુરત: (Surat) ડીંડોલી વિસ્તારમાં લેકસિટી બાંધકામ સાઇટ ખાતેથી ચાર દિવસ અગાઉ પોતાના અઢી વર્ષના બાળકનું અપહરણ (Kidnapping) થયાની ફરિયાદ માતાએ નોંધાવી હતી. ડિંડોલી પોલીસની (Police) તપાસમાં પ્રેમીને (Lover) પામવા માટે માતાએ જ તેના બાળકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે પુત્રની હત્યા કરનાર માતાની ધરપકડ કરી છે.
ડીંડોલી વિસ્તારમાં લેકસિટી રેસીડેન્સીની બાંધકામ સાઈટ ઉપર કડિયાકામ કરતી મૂળ છત્તીસગઢના રાજનંદગાંવ જિલ્લાની શ્રમિક મહિલા નયનાબેન સુખનંદન મંડાવીએ પોતાના અઢી વર્ષના પુત્ર વીર ઉર્ફે ભોંદુ, ગઈ 27મી જુને બપોરે લેકસિટી બાંધકામ સાઇટ ખાતેથી કોઈ અજાણ્યો અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બાળક ગુમ થયાની ફરિયાદને ગંભીરતાથી લઈને ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે. ચુડાસમા અને સેકન્ડ પીઆઈ એસ.એમ. પઠાણની સુચનાથી પીએસઆઈ હરપાલસિંહ મસાણીએ તેમની ટીમ સાથે મળીને તપાસ હાથ ધરી હતી. બાળક બાંધકામ સાઈટની બહાર ન ગયો હોવાનું સ્પષ્ટ થતાં બાંધકામ સાઈટના કામ કરતા મજૂરોની પૂછપરછ કરાઈ હતી. જેમાં નયના મંડાવીને તેના હમવતની છત્તીસગઢના સંજુ નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાએ પહેલા અપહરણનું જુઠ્ઠાણું ચલાવ્યું અને બાદમાં તેનો પ્રેમી બાળકને લઈ ગયાનું કહીને પોલીસને ગેરમાર્ગે દોરી હતી.
નયના મંડાવી ખૂબ જ ચાલાક હોવાથી પોલીસે ત્રણ દિવસ સુધી ગોળ ગોળ ફેરવ્યા બાદ પોતાના પુત્રનું ખૂન કરેલાનું સ્વીકારી લીધું હતું. છતાં પુત્રના મૃતદેહ અંગે તેણે પોલીસના અનેક પ્રયાસો બાદ પણ કોઈ ખુલાસો કર્યો ન હતો. પોલીસે તેને સજા નહીં થવા દેશું તેવો વિશ્વાસ અપાવી મનોવૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરતા આખરે તે ભાંગી પડી હતી. પોતાના બાળકનું ખૂન કરી તેના મૃતદેહને લેકસીટીના નવા બંધાતા બિલ્ડીંગના બેઝમેન્ટમાં લિફ્ટના ઊંડા ખાડામાં નાખી દીધો હોવાનું છેવટે તેણે કબૂલ્યું હતું. તેને સાથે રાખીને તપાસ કરતા બાળકની લાશ નવી બંધાતી બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલા લિફ્ટના છ ફૂટ ઊંડા ખાડામાંથી મળી આવી હતી. મહિલા પોતાના મોબાઇલમાં ક્રાઈમ પેટ્રોલ સિરીયલ જુએ છે, તેમજ બે વખત દ્રશ્યમ પિક્ચર જોયું હતું. જેથી પોલીસને બાળકની ડેડબોડી નહીં મળે તો કંઈ નહીં કરી શકે, તેવું વિચારીને પોલીસને બાળકની લાશ નહીં મળે તેવા આશયથી પોલીસને ગેરમાર્ગે દોરતી હતી.
પ્રેમીએ લગ્ન કરવા બાળકને છોડવાનું કહ્યું, તો પુત્રનું ગળું દબાવી હત્યા કરી
પોલીસે નયનાની વધુ કડકાઈથી પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તેના લગ્ન ચાર વર્ષ પહેલા છત્તીસગઢના રાજનંદગાંવ જિલ્લાના ચરૂથના ગામના સુખનંદન ઉર્ફે ભૂવનેશ્વર ગુડુ મંડાવી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેને વીર ઉર્ફે ભોન્દુ નામનો પુત્ર થયો હતો. નયનાને પતિ સાથે મનમેળ નહીં હોવાથી બે વર્ષ પહેલા પુત્ર વીર ઉર્ફે ભોન્દુને તથા તેની માતાને લઈને છતીસગઢથી સુરત આવી હતી અને છેલ્લા બે વર્ષથી બાંધકામ સાઈટ ઉપર મજૂરીકામ કરતી હતી. દરમિયાન તેના વતનના ગામના સંજુ નામના વ્યક્તિ સાથે તેને પ્રેમ થયો હતો. પરંતુ પ્રેમી સંજુએ તેની સાથે લગ્ન કરવા હોય તો બાળકને છોડવાનું કહ્યું હતું. જેથી પ્રેમી સંજુને પામવા માટે નયનાએ પુત્ર વીર ઉર્ફે ભોન્દુને ગળું દબાવી હત્યા કરી હતી અને કોઈ અજાણ્યો અપહરણ કરી લઈ ગયા હોવાનું જણાવી ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.
બાળક સાઈટથી બહાર નહીં ગયો હોવાનું ડોગ સ્ક્વોડે પણ સ્પષ્ટ કર્યું હતું
શરૂઆતમાં પોલીસે સીસીટીવી ચેક કરતા બાળકને કોઈ લઈ જતું જોવા મળ્યું નહોતું. ડોગ સ્ક્વોડની મદદ લઈ બાંધકામ સાઈટનો એરીયા સર્ચ કરાયો હતો. ડોગ સ્કવોડ ઇન્ચાર્જે બાળક બાંધકામ સાઈટની બહાર નહિ ગયું હોવાનો અભિપ્રાય આપતાં પોલીસની શંકા દૃઢ બની હતી.
બાળકની લાશ શોધવા પોલીસને નવ નેજાં પાણી ઉતર્યાં, 25 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો ને તળાવમાં પણ મરજીવા ઉતારવા પડ્યાં!
બાળકની માતા નયના મંડાવીની હિલચાલ પહેલેથી જ શંકાસ્પદ જણાતી હતી. તેની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે પ્રથમ તો પોતાના બાળકને તેનો પ્રેમી સંજુ છત્તીસગઢથી આવીને લઈ ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી પ્રેમી સંજુની મોબાઈલ કોલ ડીટેઈલ તેમજ લોકેશન બાબતે ટેકનિકલ સર્વેલન્સથી તપાસ કરતાં તે સુરત ખાતે નહીં આવ્યો હોવાનું અને છત્તીસગઢમાં જ હોવાની હકીકત જણાઈ આવી હતી.
વધુ પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, તેણે પોતાના દીકરા વીરને ગળુ દબાવી મારી નાંખી તેની લાશને બાંધકામ સાઈટની બાજુમાં આવેલી ખુલ્લી પડતર જગ્યામાં ખાડો ખોદી દાટી દીધી છે. પોલીસે નયનાને સાથે રાખી લેકસિટી બિલ્ડીંગની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં મજૂરો તથા જેસીબી મશીન મારફતે 25 ફૂટ જેટલો ખાડો ખોદાવ્યો હતો, જો કે તેમાંથી બાળકની ડેડબોડી મળી નહોતી.
નયનાની વધારે કડકાઈથી પુછપરછ કરતા તેણે રાત્રિના સમયે પોતાના બાળકની લાશને લેકસીટી બિલ્ડીંગ સામે આવેલા કરાડવા તળાવમાં ફેંકી દીધી હોવાનું કહ્યું હતું. જેથી સુરત શહેર એસ.એમ.સી ફાયર બ્રિગેડના તરવૈયાઓને હોડી સાથે તળાવમાં ઉતારી સર્ચ કરતાં ત્યાંથી પણ બાળકની ડેડબોડી મળી આવી નહોતી.