સુરત: (Surat) લસકાણા ખાતે રહેતી પરિણીતાના પ્રેમીનો (Lover) તેના પતિના મોબાઈલ પર ફોન આવ્યો હતો. પતિએ ફોન પર પત્નીને તેના પ્રેમીને ગાળો આપવા કહ્યું હતું. પરંતુ પત્નીએ ગાળો આપવાની ના પાડતા પતિએ કસરત કરવાનો પત્થર તેણીના માથામાં મારી ગળે ટુંપો આપી પત્નીને બારીમાંથી ફેંકી તેની ભયંકર ખરાબ રીતે હત્યા કરી નાંખી હતી. સરથાણા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
- સરથાણામાં પતિએ પત્નીને માથામાં પત્થર મારી, ગળે ટુંપો આપી બારીમાંથી નીચે ફેંકી દીધી
- પતિના ફોન પર પત્નીના પ્રેમીનો ફોન આવતા તેને ફોન પર ગાળો આપવા કહ્યું હતું
- પત્નીએ ગાળો નહીં આપતા ઉશ્કેરાઈને ગયેલા પતિનું અમાનુષી કૃત્ય
લસકાણાની કળથીયા ઇન્ડસ્ટ્રીઝ વિભાગ – ૩, ખાતા નં.૧૫-૧૬માં એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા રૂમ નં.૨૨માં રમેશ કુનઈ કોલ (ઉ.વ.30) કામરેજના કરિયાણાના વેપારી ચેનારામ બીનજારામ ચૌધરીની માલિકીના રૂમમાં ભાડેથી રહે છે. રમેશ કુનઇ કોલની પત્ની રાજકુમારીને વતનની બાજુના ગામ ઘાટાલોની ખાતે રહેતા મુન્ના કોલની સાથે આડા સંબધ હતા. રમેશે પત્નીને ના પાડવા છતાં અવાર-નવાર ફોન પર તે મુન્ના સાથે વાતચીત કરતી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે સાડા અગીયારેક વાગ્યે મુન્ના કોલે તેના ફોન પરથી રમેશ કોલને ફોન કર્યો હતો. આથી રમેશે તેની પત્ની રાજકુમારીને મુન્ના કોલને ફોન પર ગાળો આપવા કહ્યું હતું.
પત્નીએ તેણે ગાળો નહીં આપતા રમેશ કોલે ઉશ્કેરાઈને કસરત કરવાનો પથ્થર તેણીના કપાળના ભાગે મારી લોહીલુહાણ કરી નાંખી હતી. અને કાપડ વડે ગળે ટુંપો આપી મારી નાખી હતી. બાદમાં બારીમાંથી નીચે ફેંકી દીધી હતી. સરથાણા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. સરથાણા પીઆઈ વી.એલ.પટેલે તેમની ટીમને કામે લગાડી હતી. પીએસઆઈ બી.એમ.કરમટા સાથેની ટીમે હ્યુમન ઈન્ટેલીજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી રમેશકુમાર કુનઇ કોલ (ઉ.વ.૩૦. મુળ તા-હનુમના જી-રીવા, મધ્ય પ્રદેશ) ને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો.