વાંકલ: (Vankal) ઉમરપાડાના ઉચવણ ગામ નજીકના જંગલમાંથી (Jungle) સુરતના (Surat) યુવકની લાશ મળી આવવાની ઘટનામાં ફોરેન્સિક પીએમ બાદ યુવકની માથામાં બોથડ પદાર્થ મારી ઘાતકી હત્યા કરાઈ હોવાનું બહાર આવતાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ હત્યા મરણ જનાર યુવકના મિત્રએ જ કરી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી.
- સુરતના યુવકને ઉમરપાડાના જંગલમાં બોથડ પદાર્થ મારી પતાવી દેવાયો હતો
- ફોરેન્સિક પીએમમાં બોથડ પદાર્થ મારી હત્યા કરાયાનું બહાર આવતાં હત્યાનો ગુનો દાખલ થયો
- મૃતક યુવકની પત્નીએ પતિના મિત્રએ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી
- ડેડિયાપાડામાં સંગીતા નામની મહિલા સાથે બંને મિત્રોને આડા પ્રેમ સંબંધ હતા
બે દિવસ પહેલાં ઉમરપાડાના જંગલમાંથી યુવકની લાશ મળી આવી હતી અને તેની ઓળખ થતાં રિલાયન્સનગર, સાયણ રોડ, છાપરાભાઠા, સુરતના શૈલેષભાઈ કેશુભાઈ ચૌહાણની હોવાનું બહાર આવ્યું હતું. પ્રથમ તબક્કે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ ચહેરા ઉપર ઇજાનાં નિશાનો દેખાતાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું, જેમાં યુવકની બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આથી આ ગુના સંદર્ભમાં મરણ જનારની પત્ની વર્ષાબેન ચૌહાણ (રહે., ઘર નં.1051, પાર્થ સોસાયટી, અમરોલી હાઉસિંગ હનુમાન મંદિર પાસે, સુરત) દ્વારા ઉમરપાડા પોલીસમથકમાં હત્યારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વર્ષાબેનના પતિ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના દેવમોગરા ખાતે આવેલા મંદિરમાં દર્શન કરવા ગયા હતા અને ત્યારબાદ આ ઘટના બની હતી. તેમના પતિ શૈલેષભાઈ ડેડિયાપાડા નજીકના એક ગામની સંગીતાબેન નામની એક મહિલા સાથે આડા પ્રેમ સંબંધ ધરાવતા હતા. તેમજ પતિના મિત્ર ઘનશ્યામ કાળુ સોલંકી પણ આ સંગીતા નામની મહિલા સાથે આડા પ્રેમ સંબંધ ધરાવતા હતા. આથી તેમના મિત્રએ જ પતિની હત્યા કરી હોવાની પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં શંકા વ્યક્ત કરી હતી. મરણ જનાર શૈલેષભાઈ મૂળ ભાવનગરના ઉમરાળાના ચોગઠ ગામના વતની છે અને સુરતમાં રહી રત્નકલાકાર તરીકે કામ કરે છે. આ હત્યાની વધુ તપાસ પો.સ.ઇ. એ.જે.દેસાઈ કરી રહ્યા છે.