સુરત: (Surat) સુરતના કડોદરામાં પિતાની (Father) ક્રૂરતાની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સૂવા બાબતે થયેલી નજીવી તકરારમાં પિતાએ તેની દીકરીની હત્યા (Murder) કરી નાંખી હતી. પિતાએ પત્ની, દીકરી અને ત્રણ દીકરા પર મટન કાપવાના છરાથી હુમલો કર્યો હતો. દીકરીને 17 જેટલા ઘા વાગતા તેનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ છરાથી દીકરીને હાથ અને ચહેરા પર ઘા માર્યા હતા. ખૂબજ ક્રૂરતા પૂર્વક કરવામાં આવેલા વારને કારણે દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે માતા અને ત્રણ દીકરાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
મળતી માહિતી મુજબ કડોદરા સત્યમનગર વિસ્તારમાં રહેતો રામાનુજ શાહુ મૂળ બિહારનો અને હાલ તે મિલમાં મજૂરીકામ કરે છે. રામાનુજે રાત્રે ધાબા પર સુવા મામલે ઝઘડો થયા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો. નજીવી બાબતે થયેલા ઝઘડામાં રામાનુજે પત્ની રેખાદેવી, દીકરી ચંદાકુમારી તેમજ ત્રણ દીકરા સૂરજ, ધીરજ અને વિશાલને છરાથી વાર કર્યા હતા.
પ્રથમ પત્ની રેખાદેવી સાથે તેનો ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે દીકરી ચંદા અને તેના ત્રણ ભાઈ દોડી આવ્યા હતા. માતાને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યાં હતા તે દરમ્યાન પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો હતો. દિકરી ચંદા કુમારી વચ્ચે બચાવમાં આવતા પિતાએ તેને છરાના 17 ઘા મારી દીધા હતો. જેના કારણે તેના મોઢાના બે ભાગ થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને હત્યા કરનાર પિતા રામાનુજને ઝડપી પડ્યો હતો. જ્યારે ઘટનામાં ઘાયલ થયેલા અન્ય લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રામાનુજની દિકરી ચંદાનું ઘટના સ્થળે જ મોત થયા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કડોદરા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.