SURAT

કેરી કરતા કેરીનો રસ સસ્તો કેમ?, સુરતના આરોગ્ય ખાતાએ આ 12 દુકાનોમાં દરોડા પાડ્યા

સુરત (Surat) : ફળોના રાજા કેરીનું (Mango) બજારમાં આગમન થઈ ચૂક્યું છે. જોકે, કિંમત ખૂબ વધારે છે. છૂટક બજારમાં કેસર કેરી 200થી 250 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. મધ્યમવર્ગને કેરી ખરીદવી પોષાય તેમ નથી, ત્યારે શહેરની કેટલીક દુકાનોમાં કેરીનો રસ કેરી કરતા સસ્તો વેચાઈ રહ્યો છે. શહેરની દુકાનોમાં 140થી 180 રૂપિયા કિલોના ભાવે રસ વેચાઈ રહ્યો છે. કેરી કરતા કેરીનો રસ સસ્તો કેમ આ સહજ પ્રશ્ન મનમાં ઉઠે તેમ છે? ત્યારે સુરત મનપાના (SMC) આરોગ્ય વિભાગે (Health Department) કેરીના રસની તપાસ હાથ ધરી છે.

બુધવારે તા. 23 એપ્રિલે સુરત મનપાના આરોગ્ય વિભાગે શહેરમાં 12 દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. મોંઘી કેરીનો રસ સસ્તો કેમ વેચાઈ રહ્યો છે તે પ્રશ્ન દુકાનદારોને પૂછ્યો હતો. મેંગો મિલ્ક શેકના (Mango Milk Shake) 17 નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. આ સેમ્પલનો રિપોર્ટ આવે ત્યાર બાદ હકીકત બહાર આવશે.

દરમિયાન કેટલાંક દુકાનદારો રસમાં ખાંડ અને દૂધ ઉમેરતા હોવાની ફરિયાદ ઉઠી છે. કેટલાંક તો એસેન્સ અને કલર પણ નાંખે છે, જે રસ ખાવાલાયક હોતો નથી. સેમ્પલનો રિપોર્ટ આવે ત્યાર બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.
જોકે, સ્થાનિક લોકો કહે છે કે, આરોગ્ય ખાતું અને ફૂડ ડિપાર્ટમેન્ટ તપાસ કરે તેનો રિપોર્ટ ખૂબ મોડો આવે છે. તે દરમિયાન દુકાનદારો ભેળસેળયુક્ત રસનું વેચાણ કરી ચૂક્યા હશે. આવા દુકાનદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

આ દુકાનોમાં તપાસ કરાઈ
સુરત મનપાના આરોગ્ય ખાતા અને ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના જૈન મેંગો જ્યુસ (31 અમીઝરા શોપિંગ કોમ્પ્લેક્સ, સુરત ટેનિસ ક્લબ પાસે, અઠવાલાઇન્સ, સુરત), મદનલાલ રસ (35 બી પંડોલ કો ઓપ સોસાયટી વેડ રોડ સુરત), શિવ ખમણ અને ફરસાણ ઘર (પ્લોટ નં. 5, પ્રગતિનગર, અડાજણ, સુરત), શ્રી ગોકુલ રસ ભંડાર (દુકાન નંબર-36 પંડોલ ઇન્ડસ્ટ્રીઝ, વેડ રોડ, કતારગામ) , ઓમ ગોકુલ રસ ભંડાર (પ્લોટ નં-7, પંડોલ શોપિંગ સેન્ટર, ફટાકદડાવાડી, વેડ રોડ, કતારગામ, સુરત), ન્યુ ગોકુલ રસ કેન્દ્ર (સી ટેનામેન્ટ પાછળ, ગોટાલાવાડી, કતારગામ, સુરત), મોરડીયા રસ ભંડાર (પ્લોટ નં.10,તુલશીશ્યામ સોસા,બી/એચ શ્યામધામ સોસા.,પુના સીમાડા રોડ, પુણા ગામ,સુરત), મોરડીયા રસ ભંડાર (દુકાન નંબર-સી-45, રાધેશ્યામ સોસાયટી, સિંગણપોર ચાર રસ્તા, વેડ રોડ, કતારગામ), ગોકુલ રસ (દુકાન નંબર-2, વાસુદેવ નગર સોસાયટી, વેદ રોડ, સુરત), શ્રી બ્રહ્માણી એગ્રો ફૂડ પ્રોડક્ટ (દુકાન નં.2, પ્રવેગ એપ્ટ, સામે. જલારામ મંદિર, એલપી સવાણી રોડ, સુરત), હરે કૃષ્ણ રસ (દુકાન નં.જી-5, રિયલ કેદાર ભવન એપાર્ટમેન્ટ-એ, હની પાર્ક રોડ, અડાજણ, સુરત) અને ગોકુલ રસ ભંડાર (દુકાન નંબર-37 પંડોલ ઇન્ડસ્ટ્રીઝ, વેડ રોડ, કતારગામ)માં દરોડા કાર્યવાહી કરી મેંગો મિલ્ક શેકના સેમ્પલ કલેક્ટ કરી લેબમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

Most Popular

To Top