SURAT

નાનપુરાના આ એન્ટીક મકાનને તોડતા સુરત મનપાને 34 વર્ષ લાગ્યા!

સુરત: સુરત (Surat) શહેરના વોલસિટી વિસ્તારમાં મકકાઈપુલથી ડચ ગાર્ડન થઈ બહુમાળીથી અઠવાગેટ તરફ જતા મહત્વના રસ્તા તથા મકકાઈપુલથી કૈલાશ રેસ્ટોરન્ટ, ટી એન્ડ ટી.વી.સ્કૂલ થઈ અઠવાગેટ તરફ જતા રસ્તાને જોડતા અઠુગર મહોલ્લામાં વર્ષ 1972માં 50 ફુટની લાઈનદોરી ભવિષ્યમાં થનારા શહેરના વિકાસની જરૂરિયાતને ધ્યાને લઈ નિયત કરવામાં આવી હતી, જે રસ્તાના અમલીકરણની કાર્યવાહી વર્ષ-1989 દરમ્યાન હાથ ધરવામાં આવી હતી.

નાનપુરા વિસ્તારમાં સ્થિત રહેણાંક, કોમર્શીયલ તથા વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે. જેથી આ વિસ્તારનું ટ્રાફિક ભારણ ઓછું કરવા માટે વોર્ડ નં. 1, નોંધ નં. 831માં આવેલી મિલકતને દુર કરી રસ્તો પહોળો કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા મિલ્કતદારોને વર્ષ-1989માં નોટીસ આપવામાં આવી હતી. સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને આખરે 34 વર્ષ બાદ મનપાના તરફે ચુકાદો આવતા મનપાએ આ મિલકતનું ડિમોલીશન કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.

અઠુગર મહોલ્લામાં સેન્ટ્રલ બેંકની સામે આવેલી વોર્ડ નં. 1, નોંધ નં. 831, એકમાત્ર મિલકતના મિલ્કતદારોના અસહકાર તથા વારંવાર ઉપસ્થિત કરાતા દાવા પ્રકરણ કે જેમાં થતા મનાઈ હુકમના કારણે 50 ફુટની રસ્તારેખાનું અમલીકરણ ન થવાથી બોટલનેક સર્જાતા વર્ષો સુધી શહેરીજનોને વાહનવ્યવહારના કારણે ટ્રાફીકજામના કારણે સમસ્યાનો સામનો કરવો પડતો હતો.

ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ દ્વારા વકીલો સાથેના સતત ફોલોઅપ તથા સંબંધિત વિભાગો સાથેના સંકલન કરતા કોર્ટે મિલ્કતદાર ઘ્વારા દાખલ કરેલી અપીલ તથા મનાઈ અરજી રદ કરી સુરત મહાનગરપાલિકા તરફે તા. 29 મે ના દિવસે હુકમ કરતા સુરત મહાનગરપાલિકાના સધન પ્રયાસોના કારણે 34 વર્ષના લાંબા સમયગાળા બાદ 50 ફુટની રસ્તારેખા હેઠળની આશરે 928 ચો.ફુટ જગ્યાનો કબ્જો સુરત મહાનગરપાલિકાને પ્રાપ્ત થવાથી બોટલનેક દુર થતા શહેરીજનો માટે આ રસ્તો સંપુર્ણ પહોળાઈનો લાભ મળશે. અને કાયમી ધોરણે વાહનવ્યવહારને પણ સરળતા થશે.

Most Popular

To Top