SURAT

હિટ એન્ડ રન: વરેલીની ઐશ્વર્યા મિલ સામે અજાણ્યા વાહનની અડફેટે સુરત મનપાના કર્મચારીનું મોત

સુરત: સુરત મહાનગરપાલિકાના એક કર્મચારીનું આજે સોમવારે વહેલી સવારે નોકરી પર આવતી વખતે રસ્તામાં અકસ્માતમાં મોત થયું છે. બલેશ્વર ગામમાં રહેતા મનપા કર્મચારીને વરેલી ખાતે આવેલી ઐશ્વર્યા મિલની સામે અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રન કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વરેલી ઐશ્વર્યા મિલ સામે સુરત મહાનગર પાલિકાના એક કર્મચારીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું છે. આજે સોમવારે વહેલી સવારે બનેલી હિટ અનેડ રન કેસમાં ઇજાગ્રસ્ત રાજેશ પટેલ ને 108ની મદદથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. રાજેશભાઇ મુગલીસરામાં વાયરલેસ વિભાગમાં ઓપરેટર તરીકે કામ કરતા હતા. નોકરી પર આવતી વખતે રસ્તામાં કાળ મુખી વાહનનો ભોગ બન્યા હતા.

પરિવારે જણાવ્યું હતું કે રાજેશભાઇ ઈશ્વરભાઈ પટેલ 52 વર્ષના હતા. કડોદરા-પલસાણા રોડ પર આવેલા બલેશ્વર ગામમાં રહેતા હતા. 25 વર્ષથી સુરત મહાનગર પાલિકાના કર્મચારી હતા. પહેલા બસમાં નોકરી પર અપડાઉન કરતા હતા. ત્યારબાદ છેલ્લા કેટલાક વર્ષોથી વધતી ઉંમરને લઈ બાઇક ઉપર અવર-જવર કરતા હતા. પરિવારમાં પત્ની અને એક દીકરા-દીકરી સાથે રહેતા હતા. ઘટનાની જાણ બાદ પરિવાર શોકમાં સરી ગયું છે.

ફાયર વિભાગના મિત્રો એ કહ્યું હતું કે ખૂબ જ નિખાલસ સ્વભાવના હતા. પહેલેથી જ હળી મળી ને કામ કરવાની ટેવ હતી. લગભગ નિવૃત્તિને 5 વર્ષ જ બાકી હતા. ઘટના આજે સવારે બની હતી. જાણ થતાં જ મોટા ભાગના સાથી કર્મચારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. હાલ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકની ઓળખ થઈ નથી. પોલીસ તપાસ ચાલી રહી છે.

બાઇક સ્લીપ થતા અજાણ્યા બાઇકર સાથે જતા યુવકનું મોત
સુરત : ઉધનામાં બીઆરસી કંપની પાસે બાઇક સ્લીપ થતા અજાણ્યા બાઇકર સાથે જતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ઉધના પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર હાલમાં ડિંડોલીના નવાગામ શિવહિરાનગરમાં રહેતા સતિષ અવધલાલ ગૌડ (27 વર્ષ) મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં આવેલા થાના બનકટ, ગામ જગદીશપુરના વતની હતા. પરિવારમાં પત્ની સીમા છે. સતિષ ગૌડ પાંડેસરાની મિલમાં નોકરી કરતો હતો.

સતિષ ગૌડ તારીખ 4 જુલાઇના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં કંપનીમાંથી ઘર તરફ આવવા નીકળ્યા હતા. રસ્તામાં તેઓએ અજાણ્યા બાઇકર પાસેથી લીફ્ટ લીધી હતી. તેઓ ઉધના-નવસારી રોડ પર બીઆરસી કંપની સ્વામિનારાયણ મંદિર પાસે બાઈક સ્લીપ થતાં સતિષ ગૌડને માથામાં ગંભીર ઇજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન આજ રોજ તેમનું મોત નિપજ્યું હતું. ઉધના પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top