SURAT

ગોડાદરામાં ડાયેરિયાના વાવર વચ્ચે પાણીના બે સેમ્પલ ફેઈલ થતાં સુરત મનપાના આરોગ્યતંત્રમાં દોડધામ

સુરત શહેરનાં ગોડાદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ઉપરાછાપરી ડાયેરિયાના કેસો નોંધાતા સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ સહિત પાણી અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. એક યુવકનાં મોત બાદ સફાળા જાગેલા વહીવટી તંત્ર દ્વારા આજે સતત બીજા દિવસે આ વિસ્તારમાં સર્વેથી માંડીને સેમ્પલો એકઠાં કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

બીજી તરફ ગઈકાલ સુધી લેવામાં આવેલા બે સેમ્પલોના રિપોર્ટ શંકાસ્પદ જણાતાં ડ્રેનેજ અને પાણી વિભાગની ટીમો દ્વારા ખોદકામ હાથ ધરીને સમસ્યાના નિરાકરણ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, સોસાયટીમાં નોંધાયેલા ડાયેરિયાના દર્દીઓ પૈકી હોસ્પિટલમાં દાખલ ત્રણેય દર્દીઓની સ્થિતિ હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સોસાયટીમાં છેલ્લા ત્રણ – ચાર દિવસથી સતત ડાયેરિયાનાં કેસો વચ્ચે એક યુવકનું મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ઘટના અંગે જાણ થતાં જ પાલિકાનાં ઉચ્ચાધિકારીઓ સહિત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પણ સમગ્ર સોસાયટીમાં સર્વેથી માંડીને સેમ્પલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સંભવત: પીવાના પાણીની સમસ્યાને કારણે સોસાયટીમાં ડાયેરિયાના રોગચાળાએ માથું ઊંચકયું હોવાની શક્યતાઓને પગલે પાલિકાની ટીમ દ્વારા સોસાયટીનાં તમામ રહેવાસીઓના સર્વે દરમિયાન ડાયેરિયાનાં 12 દર્દીઓ મળી આવ્યા હતા. જે પૈકી 6 દર્દીઓને રજા આપી દેવામાં આવી હતી. જ્યારે 3 દર્દીઓ હજી પણ હોસ્પિટલમાં સારવારગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

જો કે, હોસ્પિટલગસ્ત દર્દીઓની તબિયત હાલમાં સુધારા પર છે. જો કે, પાલિકાના ઉચ્ચાધિકારીઓ સહિત કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા અને આરોગ્ય અધિકારી ડો. એન.બી. દેસાઈ સાથેની ટીમ દ્વારા આજે પણ સમગ્ર વિસ્તારમાં સર્વે અને સેમ્પલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન ગઈકાલે અલગ – અલગ ટીમો દ્વારા એકત્રિત કરવામાં આવેલા પાણીનાં 50 સેમ્પલો પૈકી બે સેમ્પલો ફેઈલ હોવાનું ધ્યાને આવતાં ડ્રેનેજ અને પાણી વિભાગની ટીમો દ્વારા હાલમાં આ વિસ્તારમાં ખોદકામ હાથ ધરીને પાણીની સમસ્યાની સંભાવનાને પગલે તાકિદનાં ધોરણે સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top