સુરત(Surat) : સુરત મહાનગર પાલિકાનું (SMC) વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ (Budget) આજે તા. 29 જાન્યુઆરીના રોજ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે (ShaliniAgrawal) રજૂ કર્યું હતું. સ્વચ્છતામાં નંબર 1 સિટી (CleanCityNo1Surat) બન્યા બાદ હવે સુરત શહેરના વિકાસ (Development) માટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે.
બજેટની મહત્ત્વની જાહેરાત
- સુરત મનપાના ઈતિહાસમાં સૌથી મોટું કદ ધરાવતું વિકાસ લક્ષી બજેટ
- પહેલીવાર 8 હજાર કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું
- ભારત સરકારના બજેટ 2023-24ની સપ્તઋષિ પરિકલ્પનાને સમાવી લવાઈ
- પ્રજાજનો પર કોઈ પણ પ્રકારના કરબોજો નાંખવામાં આવ્યો નથી
- રેવન્યુ આવક 5025 કરોડ અને રેવન્યુ ખર્ચ 4597 કરોડ
- શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજના નિર્માણ માટે 165 કરોડની જોગવાઈ
- કતારગામ ઝોનમાં નવું ઓડિટોરિયમ બનાવાશે
- સસ્ટેનેબિલિટી માટેના વિશિષ્ટ આયોજન માટે કેપિટલ બજેટના 10 ટકા જેટલી રકમનું આયોજન
- નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર અંદાજિત કુલ 4613 કરોડના ખર્ચે આંતરમાળખાકીય સુવિધાઓ પુરી પાડવાનું આયોજન
- આત્મનિર્ભરતાના પ્રયાસ રૂપે રેવેન્યુ આવકમાં પાછલા વર્ષની સરખામણીએ 366 કરોડના વધારા સાથે 5025 કરોડની આવકનો અંદાજ
- 2023-24 માં સરકારી, અર્ધસરકારી તથા ખાનગી સંસ્થાને જમીન ફાળવણી સંદર્ભે 186 કરોડ આવકનો ટાર્ગેટ
- સૌપ્રથમવાર ગ્રીન મ્યુનિસિપલ બોન્ડનું અમલીકરણ
- ગ્રીન ક્રેડીટ પ્રોગ્રામનું અમલીકરણ કરવામાં આવશે
લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોને ફીલગુડનો અહેસાસ થાય અને વેરાનો બોજ ના વધે છતાં, મહાકાય પ્રોજેક્ટ માટે જરૂરી વ્યવસ્થા 475 ચોરસ કિમીના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને મનપાને ચલાવવા માટે હજારો કર્મચારીઓના મહેકમ ખર્ચની વ્યવસ્થા વચ્ચે બેલેન્સ કરીને મનપા કમિશનર શાલિની અગ્રવાલ તેમજ ટીમ સુરતના અધિકારીઓએ સતત ત્રણ-ચાર દિવસના રાત ઉજાગરા કરી તૈયાર કરેલા વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટનો મુસદ્દો તેમજ વર્ષ 2023-24નું રિવાઇઝ બજેટ મનપા કમિશનરે આજે જાહેર કર્યું છે.
સુરત મહાનગર પાલિકા કમિશ્નરે વર્ષ 2024-25 માટે 8718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. પાલિકાએ સુરત શહેરના વિકાસ કાર્યો માટે અધધ રૂપિયા 4121 કરોડની જોગવાઈ કરી છે. કમિશનરને જાહેર કર્યું કે, આ વર્ષે પહેલી વખત સુરત મહાનગર પાલિકાની રેવન્યું આવક 5000 કરોડ ને પાર કરશે. અંદાજ અનુસાર રેવન્યુ આવક 5025 કરોડ થશે જ્યારે રેવન્યુ ખર્ચ 4597 કરોડ પર પહોંચશે. જોકે, રાહતની વાત એ છે કે શહેરીજનો વેરાનો બોજો વધારવામાં આવ્યો નથી.
પાલિકા કમિશનરે કહ્યું કે, પહેલીવાર 8 હજાર કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે અને પહેલીવાર વિકાસ કાર્યો પાછળ 4 હજાર કરોડથી વધુની રકમ ખર્ચ કરવામાં આવનાર છે. પ્રજા પર કોઈ પણ પ્રકારના કર દર વધારાયા નથી. તેથી આ બજેટને વિકાસલક્ષી બજેટ કહી શકાય.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 7848 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. તેની સરખામણીએ આ વર્ષે બજેટના કદમાં 870 કરોડનો વધારો થયો છે.
કરડવા-ડીંડોલી કેનાલ પર નવો ફ્લાયઓવર બ્રિજ બનાવાશે
સુરત મનપાના 2024-25ના ડ્રાફ્ટ બજેટમાં જાહેર પરિવહન સુવિધા પાછળ 27 કરોડના ખર્ચનો અંદાજ મુકાયો છે. બ્રિજ માટે 3 કરોડની ફાળવણીનો અંદાજ છે. આ ઉપરાંત ડીંડોલી ખરવાસા રોડને ક્રોસ કરતા કરડવા-ડીંડોલી રોડ પર કેનાલને સમાંતર ડીંડોલી મીડલ રીંગરોડની કનેક્ટિવિટી માટે મધુરમ સર્કલ પાસે નવા ફ્લાયઓવર બ્રિજ માટે રૂ. 1.30 કરોડની જોગવાઈ કરાઈ છે. ગોથાણમાં ડીએફસીસી રેલવે લાઈન ઉપર રેલવે અંડર બ્રિજ 7 બી માટે 1.70 કરોડની જોગવાઈ કરાઈ છે.
નવા વિસ્તારો માટે ઈન્ટીગ્રેટેડ એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્લાનનું આયોજન
શિક્ષણની સુવિધા માટે 78 કરોડનું આયોજન છે. નવા વિસ્તારોમાં એજ્યુકેશન માટે ઈન્ટીગ્રેટેડ એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનું પાલિકાનું આયોજન છે. નવા વિસ્તારોમાં તમામ 101 આંગણવાડી કેન્દ્રોનું સુદ્રઢીકરણ કરવા ઈન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ પ્લાનનું આયોજન છે.
આંગણવાડી, સિવિક સેન્ટર, પે એન્ડ યુઝ ટોઈલેટ, ઝોન વહીવટી ભવન, ઢોર ડબ્બા, ફાયર સ્ટેશન વિગેરે કામો માટે અંદાજિત 50 કરોડના કર્ચ પૈકી અંદાજિત 7 કરોડની ફાળણી કરાશે. લેક ડેવલપમેન્ટ માટે તેમજ ગામતળના વિકાસ માટે 17 કરોડના કર્ચ પૈકી1.70 કરોડની ફાળવણી કરાશે. નવા વિસ્તારોમાં તબક્કાવાર 5 ટી.પી. સ્કીમોનું આયોજન કરાશે. નવા સમાવિષ્ટ વિસ્તારો માટે 25 કરોડના ખર્ચે શહેરી આરોગ્ય કેન્દ્ર, 50 બેડની હોસ્પિટલની સુવિધા ઉભી કરવાનું આયોજન છે.
સુરત ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ પ્લાન 2047 રજૂ કરાયો
દેશમાં સુરત વન ઓફ ધ બેસ્ટ કનેક્ટેડ સિટી તરીકે ઉભરી રહ્યું છે. રોડ કનેક્ટિવીટી, રેલ કનેક્ટિવિટી, પોર્ટ કનેક્ટિવીટી અને એર કનેક્ટિવિટી ક્ષેત્રે સુરતનો વિકાસ થઈ રહ્યો છે. એક્સપ્રેસ વે, નેશનલ હાઈવે, બુલેટ ટ્રેન, મેટ્રો, ડીએફસીસીની સુવિધા ઉભી થઈ રહી છે. ત્યારે સુરતને દેશનું લોજીસ્ટીક્સ ગ્રોથ હબ બનાવવાનું આયોજન છે.
સુરત મનપાએ સુરત ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ પ્લાન 2047 રજૂ કર્યો હતો. આગામી 30 વર્ષ માટે શહેરના વાહનોના પરિવહન માટે કોમ્પ્રીહેન્સીવ મોબિલિટી પ્લાન બનાવવાનું આયોજન છે. તાપી રીવરફ્રન્ટને ધ્યાનમાં રાખી વોટર ટ્રાન્સપોર્ટ ઈન્ટીગ્રેટેડ કરવાનું આયોજન છે. વોટર મેટ્રો માટે શક્યતાદર્શી રિપોર્ટ તૈયાર કરવાનું પ્લાનિંગ છે. વોટર મેટ્રો અને વોટર ટ્રાન્સપોર્ટ સંકલિત કરી લાસ્ટ માઈલ કનેક્ટિવિટી હેઠળ નવા સાઈકલ ડોકીંગ સ્ટેશન માટે શક્યતાદર્શી રિપોર્ટ તૈયાર કરવાનું આયોજન છે.
ડુમસ સી ફેસ પ્રોજેક્ટ માટે કરોડોની જોગવાઈ
ડુમસ સી ફેસ પ્રોજેક્ટ માટે પેકેજ 1 હેઠળ ડ્રાફ્ટ બજેટમાં 100 કરોડની જોગવાઈ કરી છે. ઝોન 1ના પેકેજ 2 માટે 67 કરોડ ખર્ચવાનું આયોજન છે. જ્યારે ઝોન ટુ માટે ફોરેસ્ટ વિભાગ સાથે 70 કરોડના પ્રોજેક્ટનું આયોજન છે. તાપી નદી પર બેરેજ પ્રોકેટ્ માટે 127 કરોડનું આયોજન, તાપી નદીના અંદાજિત 10 કિ.મી. વિસ્તારમાં ચાલુ વર્ષે 100 કરોડના ખર્ચે ફ્લડ કંટ્રોલ સ્ટ્રક્ચર (પ્રોટેક્શન વર્ક)ની કામગીરીનું આયોજન છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ અલાયદા 50 કરોડની જોગવાઈ છે.
તાપી શુદ્ધિકરણ માટે 165 કરોડ, નવા વહીવટી ભવન માટે 245 કરોડની જોગવાઈ
હયાત સ્ટ્રોમ લાઈનને ઈન્ટરસેપ્શન અને ડાયવર્ઝન માટે 25 કરોડનું આયોજન છે, તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે 165 કરોડની જોગવાઈ કરાઈ છે. સુરત મનપાના આઈકોનિક નવા મુખ્ય વહીવટી ભવન માટે 245 કરોડની જોગવાઈ કરાઈ છે. આઉટર રીંગરોડ ફેઝ 2 માટે 10.50 કિ.મી. રોડના 431 કરોડના કામનું આયોજન છે. ફેઝ 1 હેઠળ 17.83 કિ.મી. રોડ પૈકી 15 કિ.મી. રોડનું કામ પૂર્ણ કરાયું છે. આ ઉપરાંત 87 હેક્ટરમાં બાયો ડાયવર્સિટી પાર્ક માટે 30 કરોડની જોગવાઈ કરાઈ છે.
450 નવી ઈલેક્ટ્રિક બસ ખરીદાશે
વર્ષ 2024-25માં 450 નવી ઈલેક્ટ્રિક બસ ખરીદવાનું આયોજન છે. અડાજણ પાલ ખાતે આવેલા હયાત બીઆરટીએસ બસ ડેપોને 2 કરોડના અંદાજિત ખર્ચે ઈલેક્ટ્રિક બસ ડેપો તરીકે રૂપાંતરિત કરવાનું આયોજન છે. પ્રાયોગિક ધોરણે ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટનું આયોજન કરવા ફિઝિબિલિટી સ્ટડી કરાશે. કાર્બન ક્રેડિટ મેળવવા સોલાર અને વિન્ડના પાવર પ્લાન્ટ માટે કામગીરીનું આયોજન. 10 મેગાવોટ (એસી) ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ તથા 6.3 મેગાવો ક્ષમતાના વિન્ડ પાવર પ્લાન્ટ માટે 118 કરોડની જોગવાઈ કરાઈ છે.