સુરત: (Surat) એક બાજુ મહાનગરપાલિકા (Municipal Corporation) તિજોરીનું (treasury) તળિયું દેખાતું હોવાથી વર્તમાન શાસકો કરકસરનું (Parsimony) ગાણું ગાઇ ઘણાં લોકોપયોગી કાર્યો પર કાપ મૂકી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ લાખો રૂપિયાનાં લેપટોપની (Laptop) લહાણી તમામ 120 જેટલા કોર્પોરેટરને (Corporator) કરવામાં આવી છે. જેની કુલ કિંમત રૂ.87 લાખ કરતાં વધારેના થાય છે. અગાઉ પદાધિકારીઓ માટે મોંઘી ગાડી, મોબાઈલ અને ડેસ્ક ટોપ કમ્પ્યૂટર ખરીદાયા બાદ હવે પ્રજાના ટેક્સમાંથી મોંઘાં લેપટોપ ખરીદાયાં છે. જો કે, આ વખતે તમામ નગરસેવકો પાસેથી એવું લખાણ લેવાયું છે કે, ટર્મ પૂરી થતાં આ લેપટોપ મનપાને પરત કરવાના રહેશે. મનપા દ્વારા લેપટોપની લ્હાણી કરાઇ છે. જેનો વિપક્ષ સહિત તમામ નગરસેવકોએ હોંશે હોંશે સ્વીકાર કર્યો છે. ઘણા નગરસેવકો તો એવા પણ છે કે, જેને લેપટોપ ચલાવતા પણ નથી આવડતું.
મુખ્યમંત્રીનું આગમન થવાનું હોવાથી પાલિકાને કોઝવેની સફાઇ યાદ આવી
આગામી તારીખ 26મીના રોજ રાજ્યકક્ષાનો નદી ઉત્સવ સુરતમાં ઉજવવાનો હોવાથી મુખ્યમંત્રી તે દિવસે તાપી તટે જશે. જેના કારણે પાલિકાના અધિકારીઓ આળસ ખંખેરીને કોઝવે ખાતે તાપીની સફાઇ કરવા માટે લાગી ગયા છે. જો નદી ઉત્સવ ઉજવવાની આટલી જ તાલાવેલી હોય તો નાવડી ઓવારાના વોકવે પર પણ એક વાર અધિકારી અને પદાધિકારીઓએ આંટો મારવો જોઇએ તો ખબર પડશે કે નદી કિનારાની શું હાલત છે.
મનપાના સફાઈકર્મીઓનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે સન્માન
સુરત: પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની 98મી જન્મજયંતી ‘સુશાસન દિવસ’ની ઉજવણી અંતર્ગત સુરત મનપાના સફાઈકર્મીઓનું સન્માન કરવામાં આવશે. શુક્રવારે ઈનડોર સ્ટેડિયમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના બસ્તે મનપાના કુલ 3200 સફાઈ કર્મચારીનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મનપાને આ વર્ષે બીજો ક્રમાંક પ્રાપ્ત થતાં સફાઈકર્મીઓનું વિશેષ સન્માન કરાશે. સુરત મહાનગર પાલિકાના 6055 કર્મચારીને સન્માનિત કરવામાં આવશે. ઇનડોર સ્ટેડિયમની બેઠકની ક્ષમતા 6332 છે. કોરોનાને પગલે સ્ટેડિયમમાં 3200 કર્મચારીને પ્રવેશ આપવામાં આવશે. બાકીના કર્મચારીઓને ગિફ્ટ અને પ્રમાણપત્ર તેમના ઘરે આપવામાં આવશે. તેમજ મનપાની નિબંધ સપર્ધામાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓને પણ ઈનામ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મંત્રીઓ તેમજ તમામ ધારાસભ્યો પણ હાજર રહેશે.