સુરત: (Surat) રાજય સરકાર દ્વારા સુરત મનપાને નવા વહીવટી ભવન માટે રિંગ રોડ (Ring Road) પર સબજેલવાળી જગ્યા ફાળવવામાં આવી હતી. જો કે તેની સામે સરકારની માંગણી મુજબ અતિ મોકાની એવી સોનાની લગડી જેવી અઠવા પાર્ટી પ્લોટ (Athwa Party Plot) અને ઇનડોર સ્ટેડિયમને (Indore Stadium) અડીને આવેલી મરધા કેન્દ્રવાળી જગ્યા સરકારને આપી દેવાનો ઠરાવ શાસકો કરી દીધો હતો. તેથી જે તે વખતે તત્કાલીન શાસકો પર માછલા પણ ધોવાયાં હતાં અને સરકારે પાઘડી આપીને મૂંડી કાપી લીધી હોય તેવો ઘાટ થયો હતો. જો કે હવે હજી સુધી આ બંને જગ્યાનો કબજો સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) પાસે જ છે તેથી હવે આ જગ્યાને બદલે અન્ય જગ્યા સ્વિકારી લેવા રાજય સરકારને રજુઆત કરવા શાસકો દ્વારા વિચારણા ચાલી રહી છે.
- સબજેલના બદલામાં મળેલી અઠવા પાર્ટી પ્લોટ અને મરધા કેન્દ્રવાળી જગ્યા પાલિકા પોતાની પાસે જ રાખશે
- રાજય સરકારને આ જગ્યા ખાસ કોઇ ઉપયોગી થઇ શકે તેમ નથી
- વિશાળ જગ્યા પર આંતરરાષ્ટ્રીય સ્તરનુ સ્પોર્ટ્સ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકાય તેમ છે
- વર્ષ 2015માં વહીવટી ભવન માટે સબજેલની જગ્યાની સામે આ બે જગ્યા ફાળવવાનો ઠરાવ થયો હતો
- જો કે મનપા માટે આ બન્ને જગ્યા ઉપયોગી હોવાથી હવે અન્ય જગ્યા સ્વિકારી લેવા શાસકો સરકાર સમક્ષ રજુઆત કરશે
વિસ્તૃત વિગતો મુજબ મનપાના તંત્રવાહકો દ્વારા ઈન્ડોર સ્ટેડિયમનુ રીનોવેશન કરીને તેની આજુબાજુમાં સ્પોર્ટ્સને લગતી પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે તેવું આયોજન રાજય સરકારના સહકારથી કરાયું છે. તેથી હવે ઇન્ડોર સ્ટેડિયમની બાજુમાં જ મરઘાં કેન્દ્ર વાળી જગ્યાની જરૂર પડી શકે તેમ છે. કેમકે આ વિશાળ જગ્યા પર આંતરરાષ્ટ્રીય સ્તરનુ સ્પોર્ટ્સ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકાય તેમ છે. ઉપરાંત શહેરની વચ્ચોવચ અઠવા પાર્ટી પ્લોટની વિશાળ જગ્યા પર કોઇ ઇવેન્ટ કે અન્ય આયોજનો માટે સતત જરૂર પડતી રહે છે. જયારે રાજય સરકારને આ જગ્યા ખાસ કોઇ ઉપયોગી થઇ શકે તેમ નથી તેથી હવે આ બંને જગ્યાઓની બદલીમાં મનપામાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં મનપાને મળેલી જગ્યાઓ પૈકી કોઇ જગ્યા સરકાર સ્વિકારી લે તેવી ફેરવિચારણા કરવા રજુઆત કરાશે.